આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: સમાજમાં એવી ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે, જે પ્રથમ નજરે જાણતા વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. આવી જ એક ઘટના બનાસકાંઠાના થરાદ તાલુકામાંથી સામે આવી છે, જેમાં માતાએ જ પોતાના માસૂમ બાળકની હત્યા કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, થરાદમાં ફરી એકવાર માનવતા સહિત માવતરને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીત મહિલાએ તેના પ્રેમિકા સાથે નાસી ગયા બાદ, પોતાના દોઢ વર્ષનું રડતું બાળક રંગરલીયામાં અડચણરૂપ બનતા તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી માતા સાહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી, બે દિવસ અગાઉ ભરતભાઈ તેમની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ, માતાજીના નૈવેધ કરવા તેમના વતન બુકણા ગામે માટે ગયા હતા. મોડી સાંજે પરત પોતાના ઘરે આવ્યા બાદ તેની પત્ની પેશાબ કરવાના બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીએ ત્યાંથી નાસી ગઈ હતી. તે સમયે ભરતભાઈ ઠાકોરે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની દોઢ વર્ષના પુત્રને લઈને તેના પ્રેમિના બાઇક પર બેસીને નાસી ગઈ હતી.
બાળકના મૃત્યુ પતિએ પૂછતા સામે આવ્યું કે, પત્ની મંજુલા તેના પ્રેમીના ઘરમાં હતી તે સમયે તેનો દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડ રડ કરતો હતો અને આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનેલા બાળકનું મોઢું દબાવ્યું હતું, જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને બંનેએ આ બાળકની હત્યા કરી દીધી. આ અંગે પિતા ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે તેની પત્ની મંજુલા અને તેના પ્રેમી ઉદા અમીસંગભાઈ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.