Nilesh Rana, Banaskantha : બનાસકાંઠા જિલ્લો એ અંતરિયાણ જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં દર વખતે પાણીની મોટી સમસ્યા ઊભી થાય છે આ જિલ્લામાં પાણીના તળ પણ દિવસેને દિવસે ઉંડા જઈ રહ્યા છે. આ જિલ્લાના ખેડૂતો પાણીને લઈને અનેક આંદોલનો કરે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં રૂપપુરા ગામમાં આગેવાનોએ આખા ગામનું ગંદુ પાણી એક તળાવમાં એકત્રિત કરી અને તે ગંદા પાણીને એક પ્લાન્ટ મારફતે શુદ્ધિકરણ કરી એક જુના બોરમાં નાખી બોર રીચાર્જ કરી જમીનના તળ ઊંચા લાવવા પ્રયાસ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમાં 800 જેટલા લોકો રહે છે. આ ગામના તમામ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને જિલ્લામાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે. તેમજ દિવસે ને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે. ત્યારે આ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામના લોકોએ એક સંપ થઈ અનોખું કાર્ય કર્યું છે. આ ગામના લોકોએ જમીનના તળ ઉંચા લાવવા માટે આખા ગામનું ગટરનું પાણી ગામમાં આવેલા એક તળાવમાં છોડવામાં આવે છે.
અને આ ગામના લોકોએ સરકારની મદદ લઈ પાંચ લાખના ખર્ચે પાણીનું શુદ્ધિકરણ કરવા માટે એક પ્લાન્ટ તૈયાર કર્યો છે. તળાવમાં આવતું આખા ગામનું ગટરનું ગંદુ પાણી એક પ્લાન્ટ મારફતે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ ગામમાં આવેલ એક જુના બોરમાં નાખવામાં આવે છે. પછી તે પાણીનું શુદ્ધિકરણ કરી તેને જમીનના તળમાં ઉતારવામાં આવે છે.આ ગામના આ એક જળ બચાવવાના અભિયાનને લઈ અત્યારે આ ગામના જમીનના તળ પણ દિવસેને દિવસે ઊંડા જવાના બદલે ઊંચા આવી રહ્યા છે.આ અનોખા કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે તેમજ આ ગામના અનોખા કાર્યને અનેક ગામના લોકો પણ જોવા આવી તેમના ગામમાં આ કાર્ય શરૂ કરવા માટે ની પ્રેરણા પણ લઈ રહ્યા છે.
રૂપપુરા ગામમાં રહેતા મેઘરાજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા આખા ગામનું ગટરનું ગંદુ પાણી ગામમાં આવેલા એક તળાવમાં છોડવામાં આવે છે અને આખા ગામનું આ ગંદુ પાણી એક તળાવમાં એકત્રિત થાય છે પરંતુ આ તળાવમાં ગટરનું ગંદુ પાણી એકઠું થવાથી મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી રહ્યો હતો અને મચ્છરના કારણે બીમારીઓ વધી રહી હતી તે બાદ આ ગામના તમામ આગેવાનો એકત્રિત થઈ આ પાણીનો કઈ રીતે નિકાલ લાવો તેવુ એક આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ ગામના આગેવાનો ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરી અને એ શુદ્ધિકરણ પાણી એક બોર મારફતે ભૂગર્ભમાં ઉતારવામાં આવે તો જમીનના તળ પણ ઉંચા આવશે. તે બાદ આ રૂપપુરા ગામના આગેવાનો સરકારની મદદ લઈ પાંચ લાખના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ નો એક પ્લાન્ટ તૈયાર કરાયો અને એક બ્લોક બનાવી તેમાંથી એક મોટર વડે પાણીને એક ટેન્કમાં નાખવામાં આવે છે.
આ ટેન્કમાં ચુનો તેમજ ફટકડી નાખી ત્રણ વિભાગમાં ગટરના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ચોથા વિભાગમાં આ પાણી એકદમ શુદ્ધ થઈ જાય છે.ત્યાર બાદ ગામનો એક જુનો બોર છે. જેમાં આ ગટરનું શુદ્ધિકરણ કરાયેલું પાણી બોરમાં મોકલવામાં આવે છે. અને એ બોરમાંથી પાણી સીધું ભૂગરમાં ઉતારવામાં આવે છે. આ ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાથી તેમાં બાય પ્રોડક્ટ સેન્દ્રીય ખાતર પણ મળે છે. વર્ષે તેનો ખર્ચો નીકળી જાય છે.આ પ્લાટ તૈયાર કરવાથી દિવસેને દિવસે જમીનના તળ ઉંચા આવશે જેથી અન્ય ગામના લોકો પણ આ રીતે પાણીને શુદ્ધિકરણ કરી ભૂગર્ભમાં ઉતારશે તો આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો નહિ કરવો પડે.