આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આજે ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી (Drugs smuggling) કરતા ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પાલનપુર (palanpur) તાલુકાના આકેસણ ગામ પાસેથી પોલીસે સ્વીફ્ટ કારમાં રાજસ્થાનથી (Rajasthan) લાવેલા 30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની લે વેચ કરતા ત્રણ શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે જેને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ સતર્ક બની ગઇ છે જે અંતર્ગત આજે SOGની ટીમ ને ખાનગી રાહે માહિતી મળતા જ તેમને પાલનપુરના આકેસણ ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક રાજસ્થાન પારસિંગની શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતા તેને થોભાવી તલાશી લેતા તેમાં કાર ચાલક પ્રકાશ મફતલાલ ખત્રીના ખિસ્સામાંથી 30 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તરત જ ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી.
જ્યારે આ ડ્રગ્સ રાજસ્થાનના જાલોર જિલ્લાના સરણાઉ ગામના ભભુતારામ ચોખારામ વિશ્ર્નોઇ પાસેથી લાવ્યા હતા. જેથી SOGની ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલિસને સોંપ્યા હતા જે અંગે પાલનપુર તાલુકા પોલીસે ઝડપાયેલા ત્રણેય સહિત ચાર લોકો સામે NDPS એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે અને સ્વિફ્ટ કાર અને મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થા સહિત કુલ 5.38 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ ની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે અને કોરોના મહામારી ના સમયમાં પાંચમી આ વખત ડ્રગ્સ ઇ હેરાફેરી કરતા તત્વોને પોલીસે ઝડપી તેમના મનસૂબા ને નિષ્ફળ બનાવ્યો છે જોકે પોલીસ ડ્રગ્સ ની બાબતે બાજ નજર રાખી રહી છે અને આવી કોઈપણ પ્રક્રિયા ને નાકામ બનાવવા માટે એલર્ટ છે.