કિશોર તુવર, બનાસકાંઠા: કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જંગી જાહેર સભાને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા અપીલ કરી છે. આ સાથે આજે કાંકરેજના થરામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સભામાં ભાજપના 20 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓએ જગદીશ ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. (જગદીશ ઠાકોર અને ભાઇ અમૃત ઠાકોર)
ઠેર ઠેર પ્રદેશના નેતાઓ જનસભા કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પરથી મંત્રી કિર્તીસિંહ વાઘેલા સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃત ઠાકોરના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર કાંકરેજ પહોંચ્યા અને કાંકરેજ ખાતે તૈયાર થયેલા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતુ.