પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી પાલનપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં પાલનપુર તાલુકાના વેડંચા થી ઓઢા વચ્ચેનો માર્ગ પણ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. પુલ પાસેનો માર્ગ તૂટીને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે એક જ વર્ષમાં બે વાર આ માર્ગ તૂટી જતા લોકો એ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અત્યારે તો ભારે વરસાદના કારણે આ માર્ગ તૂટી જતાં દસ થી બાર જેટલા ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને હવે આ ગામજનોએ 12 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડશે, ત્યારે તંત્ર તાત્કાલિક આ માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે તેવી લોકોની માંગ છે.
વડગામ તાલુકામાં આવેલ પાણીયારીમાં આ વર્ષે પ્રથમ વખત પાણીનો ધોધ વહેતો થતાં જ આજુબાજુના લોકો જોવા માટે આવ્યા હતા. આ સિવાય પાલનપુર તાલુકાના વિઠોદર અને આલવાડા ખાતે આવેલા વ્હોળાઓમાં પણ પાણી વહેવા લાગ્યું હતું. આમ તો આ વર્ષે અત્યાર સુધી નહીવત વરસાદ હોવાના કારણે મોટાભાગના ઝરણાં અને વ્હોળા સૂકા ભઠ્ઠ હતા. પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા જિલ્લાના વ્હોળા, ઝરણાંમાં પાણી વહેતુ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. હજુ પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા આગામી 12 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે જેથી આગામી બે દિવસ સુધી સારો વરસાદ પડે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વ્હોળાઓ અને ઝરણાં ફરી સજીવન થઇ જશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.