આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં ડીસા પાલનપુર નેશનલ હાઈવે (Deesa-Palanpur National Highway) પર ભોયણ ગામ (Bhoyan Village)ના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માત (Accident)માં ત્રણ વાહનો સળગી ગયા હતા. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષા (Auto Rickshwaw) પણ સળગી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો હતો, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ બનાવમાં કુલ બે લોકોનાં મોત થયા છે.
ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત (4 vehicles collide near Bhoyan village) સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડિવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી.