ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી સહન કરતો જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા 2017 બાદ નહિવત વરસાદના કારણે પરિસ્થિતિ વિપરીત બની હતી. ખેતી માટે તો દૂર લોકોને પીવા માટે પણ પાણીના વલખા મારવા પડતાં હતા. જો કે છેલ્લા એક બે વર્ષથી અહીં મેઘરાજા મહેરબાન બન્યા અને પાણીના તડ ઉંચા આવ્યા છે. જો કે માત્ર સારા વરસાદથી જ નહીં પરંતુ એક ખેડૂતે વર્ષ પહેલા કરેલી મહેનત રંગ લાવી અને દરિયામાં જે પાણી જતું રહેતું તે હવે ખેત તલાવડીમાં ભરાયેલું રહે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક વર્ષ પહેલા શેરપુરા ગામના ખેડૂત અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે શરૂ કરેલું જળ અભિયાન રંગ લાવ્યું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બનેલી ખેત તલાવડીઓ ચાલુ વર્ષે વરસાદના બીજા રાઉન્ડમાં છલોછલ ભરાઈ ગઈ હતી. જેનાથી વરસાદમાં વહી જતા લાખ્ખો લીટર પાણી નો સંગ્રહ કરી તેનો ઉપયોગ હવે સિંચાઈ માટે થઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસનદીમાં પાણી સુકાયા બાદ નદીના કિનારે વસેલા ગામોમાં પણ ધીરે ધીરે પાણીના તળ ઉંડા થતા ગયા છે અને આજે બનાસકાંઠા જિલ્લામાં 1000 ફૂટ થી પણ વધારે ઊંડા પાણીના તળ પહોંચ્યા છે. ડીસા તાલુકાના શેરપુરા ગામના જાગૃત શિક્ષક અને ખેડૂત તેમજ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જળ અભિયાન માટે લોકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું હતું.
જેમાં પ્રથમ શેરપુરામાં શિક્ષક અને ખેડૂત અણદાભાઈ જાટે તેમની 10 વીઘા જમીનમાંથી અડધા વીઘા જમીનમાં સ્વખર્ચે એક ખેત તલાવડી બનાવી હતી. તેની અંદર ચોમાસાનું વહી જતું 70 લાખ લિટર પાણીનો સંગ્રહ કર્યો અને એ જ પાણીથી આખું વર્ષ ખેતીની જમીનમાં સિંચાઈ કરી જેનાથી તેમને પાણીના તળ ઊંડા જવાની ચિંતા પણ ન રહી અને વીજળીના ઓછા ખર્ચે તેવો આખું વર્ષ બાકીની જમીનમાં પિયત કરી શક્યા. બાદ તેમણે અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીએ જળ અભિયાનની શરૂઆત કરી અન્ય ગામના ખેડૂતોને પણ સમજાવ્યા.
અનેક ખેડૂતો અને રાજકારણીઓ પણ તેમની ખેત તલાવડીની મુલાકાત લીધી. તેમની આ ખેત તલાવડી જોઈ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મળી, પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લામાં 140 જેટલી ખેત તલાવડી બની છે. જે ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં જ છલોછાલ ભરાઈ ગઈ હતી.આમ એક ખેતલાડીમાં 70 લાખ લિટર પ્રમાણે 100 કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. જે પાણી ચોમાસામાં વહી જતું હતું તે પાણીથી હવે આ ખેત તલાવડી બનાવનાર ખેડૂતો પોતાના જ ખેતરમાં આખું વર્ષ સિંચાઈ કરી શકશે, અને આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનવાની દિશા માં આગળ વધી રહ્યા છે.