કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં 196 કરોડના ખર્ચે બનેલ ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ બ્રિજ પર ગઈ કાલે ડીસામાં પડેલ 5 ઇંચ વરસાદમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં એલીવેટેડ બ્રિજ સ્વીમીંગ પુલમાં તબદીલ થયો હતો. જેને લઈને બ્રિજનો એક માર્ગ બંધ કરી દેવાયો હતો અને બ્રિજના બીજા માર્ગ ઉપરથી મહામુસીબતે ધીમેધીમે વાહનો પસાર થયા હતા. જેને લઈને બ્રિજની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. તો બ્રિજ સ્વીમીંગ પુલ બની જતાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સાડાચાર કિલોમીટર લાંબા બ્રિજ પર બંને સાઈડો પર 5-5 મીટરના અંતરે બ્રિજ પરથી વરસાદી પાણી નીચે ઉતરે તે માટે હોલ બનાવી તેના ઉપર જાળી રાખવામાં આવી હતી. જોકે ચોમાસા પૂર્વે તે હોલની સફાઈ ન કરતાં બ્રિજ પરના તમામ હોલ પુરાઈ ગયા હતા. જેને લઈને બ્રિજ પરથી વરસાદી પાણી નીચે ઉતરી શક્યું નહીં અને બ્રિજના અધવચ્ચે કોઈપણ પ્રકારનો ઢાળ ન હોવાથી સમતલ જગ્યામાં પાણી એકઠું થયું હતું. અને બ્રિજ ઉપર કમર સુધી પાણી ભરાઈ જતા બ્રિજ સ્વીમીંગ પુલમાં તબદીલ થઈ ગયો હતો.