આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં સ્વેટરના ભાવ (Sweater price) બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા છ જેટલા શખ્સોએ તલવાર (Sword) અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો (Attack) કર્યો હતો. આ હુમલામાં વેપારી સહિત બે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલ (Hospital) ખસેડાયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા (CCTV camera)માં કેદ થતા થઈ છે. પોલીસે આ મામલે છ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે ડીસા શહેરમાં આવેલા બિઝનેસ વર્લ્ડ શૉપિંગ સેન્ટરમાં ત્રિમૂર્તિ હોજીયરી નામની દુકાન આવેલી છે. અહીં પ્રવીણ માળી નામનો એક ગ્રાહક સ્વેટર લેવા માટે આવ્યો હતો. પ્રવીણે ઓછી કિંમતમાં મોંઘું સ્વેટર માંગતા દુકાનના વેપારી શિવાભાઈ માળીએ માલ વેચવાની ના પાડી દીધી હતી. જે બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
હુમલામાં વેપારી અને તેના મિત્રને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતા જ ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને સીસીટીવીના આધારે હુમલો કરનાર છ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.