આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં ડીસાના ધારાસભ્ય (Deesa MLA)એ આજે તેમના જન્મદિવસ (Birthday)ની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ કોરોના મહામારીના સમયમાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને ઑક્સિજન (Oxygen) માટે હેરાન ન થવું પડે તે માટે સરકારી હૉસ્પિટલો (Government hospital)માં 200 ઓક્સિજન બોટલ અર્પણ કરી જન્મદિવસ મનાવ્યો હતો.
સામાન્ય રીતે મોટાભાગના નેતાઓ કે આગેવાનો પોતાના જન્મદિવસ મોટાં મોટાં તાયફ કરીને લાખો રૂપિયાના નાણાંનો વ્યય કરતા હોય છે, પરંતુ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આજે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. કોરોના મહામારીના સમયમાં ડીસા પંથકમાં અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાઓને ઑક્સિજન માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઑક્સિજન વગર અનેક દર્દીઓ હેરાન થઈ ગયા હતા ત્યારે ડીસાના ધારાસભ્ય તેમના મત વિસ્તારના લોકોની સુખાકારી માટે અને સ્વાસ્થ્યની ચિંતા કરી 200 ઑક્સિજન બોટલ સરકારી હૉસ્પિટલોમાં આપી છે. ડીસા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત નાના-મોટા તમામ આરોગ્ય કેન્દ્રમાં 200 ઑક્સિજન બોટલોની સહાય આપતા હવે દર્દીઓને ઑક્સિજન બોટલ માટે હેરાન થવું નહીં પડે.
આ અંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ તેમની નૈતિક જવાબદારી છે અને એટલે તેમણે તેમના જન્મ દિવસે ધારાસભ્યની દોઢ કરોડની ગ્રાન્ટમાંથી 200 ઑક્સિજન બોટલ સરકારી હોસ્પિટલમાં આપી લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "આ મારી નૈતિક જવાબદારી છે. મારી ગ્રાન્ટમાંથી 200 ઑક્સિજન બોટલ લોકોની સેવા માટે આપી છે."