કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદીય પંથકમાં કેનાલોમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. થરાદની ઓત્રોલ માઇનોર 1 કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. અધૂરી સફાઈ અને કેનાલની હલકી ગુણવત્તાના કારણે કેનાલ ઉભરાતા 10 ફૂટનું ગાબડું પડતા ઉભા પાકમાં પાણી ફરી વળતા અને ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મસ્ત મોટું ભંગાણ સર્જાયા બાદ આજે થરાદના ઓત્રોલ માઇનોર 1 કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈને ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાવેતર કરેલા રાયડો જીરું અને એરંડાના પાકમાં પાણી ફરી વળ્યું છે. પાંચ એકર જેટલા પાકમાં કાપણીના સમયે પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું તો બીજી તરફ નરમદા વિભાગના અધિકારીઓના પાપે કેનાલની જાતે રીપેર કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ગાબડું પડ્યું છતાં કેનાલ રીપેરના થતા ખેડૂતોએ જાતે કેનાલનું રિપીરીગ કામ શરૂ કર્યું છે.