અંબાજી: રાજ્યમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભાદરવામાં ભરપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે અંબાજીમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. અહીં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અંબાજીમાં ભારે વરસાદને લીધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બીજી બાજુ, લોકોને ભારે બફારા બાદ વરસાદનું આગમન થતાં હાશકારો અનુભવાઇ રહ્યો છે. કેમ કે, છેલ્લા કેટલાક સમયથી લોકો ભારે બફારાને લીધે અકળાયા હતા અને વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યાં જ મેઘાએ જાણે લોકોની મનની વાત સાંભળી હોય તેમ મન મૂકીને વરસી રહ્યો છે. આવામાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
અંબાજીના મુખ્ય હાઇવે પર પણ વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અહીં જાણે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના લીધે ચોક્કસથી વાહન વ્યવહારને પણ અસર પડી રહી છે. દર વખતે વરસાદમાં હાઇવેની આવી જ સ્થિતિ સામે આવતી હોય છે. બીજી બાજુ, મેળા માટે જે લોકોએ અસ્થાયી દુકાનો ઉભી કરી હતી, તેમાં પણ પાણી ફરી વળતાં લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે, આગામી પાંચ દિવસ આખા ગુજરાતમાં સારો વરસાદ પડશે. એકાદ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જ્યાં જ્યાં વરસાદ રહેશે ત્યાં વીજળીના કડાકા અને ભડાકા થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સુરત, નર્મદા, તાપી, છોટાઉદેપુર, બરોડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.