આણંદ: બે દિવસ પહેલા આણંદ જિલ્લાના બોરસદ (Heavy rain in Borsad) તાલુકામાં 12 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે બોરસદ શહેરની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે આણંદનું સીસવા ગામ (Sisva village) બેટમાં ફેરવાયું છે. આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બે લોકોનાં મૃત્યું થયાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદથી 20 જેટલા પશુ પણ મૃત્યું પામ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ (Gujarat rain forecast) તરફથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારે સવારે પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
સીસવા ગામ બેટમાં ફેરવાયું: આણંદમાં ભારે વરસાદથી સિસવા ગામ ખાતે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જે બાદમાં એનડીઆરએફની એક ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે. અહીં એનડીઆરએફના 27 જવાન પહોંચ્યા છે. અહીં કિશન બારિયા નામનો એક યુવાન પાણીમાં ગરક થઈ ગયાની જાણ થઈ છે. એનડીઆરએફની ટીમ ગામના લોકોને સુરક્ષિત બહાર કાઢી રહી છે, તેમજ ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.
હવામાન ખાતાની વરસાદની આગાહી : હવામાન વિભાગે (Meteorological department) શુક્રવારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.