વિશાલ પોતાના પિતા સાથે અમદાવાદ ગયો હતો, તે દરમ્યાન ટ્રાફીક્મા ફસાયેલ એક એમ્બ્યુલન્સમા એક વ્યક્તિનો ટ્રાફીકના કારેણે જીવ ગયો હતો, જે જોતા તેને એક વિચાર આવ્યો કે, જો આ અમ્બ્યુલન્સને ડ્રોન બનાવવામાં આવે તો, ઘણા જીવ બચી શકે છે. જેને લઇ વિશાલે પોતાની શાળાના શિક્ષક સાથે આ વાતની ચર્ચા કરી ડ્રોન એમ્બ્યુલન્સ તૈયાર કરી તેને તાલુકા, જીલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળામાં મુકી, જ્યા નંબર હાસલ કર્યો છે, અને હાલ રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામા ભાગ લેવા જઇ રહ્યો છે.
આ પ્રોજેકટને માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા મેક ઈન ઈન્ડિયા આધારિત સમાજ ઉપયોગી ઈનોવેટિવ આઈડિયા આપતો પ્રોજેક્ટ પસંદ કરી ઈન્સ્પાયર એવોર્ડ માટે મોકલાયો છે. ખંભાતની સરકારી માધ્યમિક શાળા લુણેજનાં ધોરણ ૯માં ભણતાં વિદ્યાર્થી વિશાલકુમાર મકવાણાએ વિજ્ઞાન શિક્ષક વિનોદભાઈ સલાટનાં માર્ગદર્શનમાં તૈયાર કરેલો પ્રોજેક્ટ ‘ડ્રોન એમ્બ્યુલન્સ’ રાજ્યકક્ષાએ કોમ્પિટિશનમાં સામેલ થશે.
તમને જણાવી દઈએ કે, આજનાં આધુનિક સમયમાં વાહન વ્યવહાર ક્ષેત્રે વાહનો વધવાને કારણે રસ્તાઓ સાંકડા તેમજ ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે અને અકસ્માતનાં જોખમ પણ વધી રહ્યાં છે. આવાં સમયે કોઈ બીમાર દર્દી, અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ કે પ્રસુતિની પીડા ધરાવતી સગર્ભા સ્ત્રીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ‘ડ્રોન એમ્બ્યુલન્સ’નો વિચાર ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે.