આણંદ: ગુજરાતમાં દારૂબંધી છતાં લોકો દારુની મહેફિલોની જમાવટ કરતાં હોય છે. યુવક-યુવતીઓ ગામના છેવાડે જઇને પણ દારૂ પાર્ટીનું આયોજન કરતાં હોય છે અને પોલીસ દ્વારા અવાર-નવાર આવી પાર્ટીઓ પર તવાઇ બોલાવવામાં આવે છે, ત્યારે વધુ એક દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડી છે. ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ માણવી યુવક-યુવતીઓને ભારે પડી છે. પોલીસે ફાર્મ હાઉસમાં જામેલી દારુની મહેફિલ પર રેડ પાડી 25 યુવક-યુવતીઓને પકડ્યા છે. સાથે જ પોલીસે ફાર્મ હાઉસમાંથી દારુની 10 બોટલો પણ કબ્જે કરી છે.
આણંદના આંકલાવ તાલુકામાં આવેલા એક ગામમાં જન્મદિવસની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે શ્રીમંત પરિવારના લગભગ 25 યુવક-યુવતીઓની ધરપકડ કરી છે. દારૂની મહેફિલ માણતાં વડોદરાના 15 યુવાનો અને 10 યુવતીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આંકલાવ પોલીસે નવાખલના ફાર્મ હાઉસમાંથી આ લોકોને ઝડપી પાડ્યા છે.