આજે અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એકબાજુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વેપારીઓને દુકાન ધંધા બંધ કરવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે બીજી બાજુ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ પર સવાર થઈને લોકોને બંધને સમર્થન ન આપવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા. જોકે, અડધાકલાકની ધમાલ પછી કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરી લેવામાં આવી છે.
ભારત બંધ (Bharat Bandh) ના એલાનને સફળ બનાવવા માટે અમરેલી શહેરમાં ભાજપ અને કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેતા વિપક્ષ પરેશ ધાનાણી બંધને સફળ બનાવવા માટે, તો દિલીપ સંઘાણી બજાર ખુલી રાખવા માટે લોકોને વિનંતી કરતા નજરે પડ્યા હતા. આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણીની આગેવાનીમા કૉંગ્રેસ આક્રમક જોવા મળી હતી અને અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારોને બંધમા જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતા. તો કેટલાક દુકાનદારો પરેશ ધાનાણીની વાત માનીને દુકાનો બંધ પણ કરતા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને છટકી જવા સફળ થયા હતા.