

નવી દિલ્હી : વૈષ્ણો દેવીના ભક્તો માટે ખૂબ સારા સમાચાર છે. હવે તમારા કટરા જવા માટે 12 કલાક નહીં પરંતુ ફક્ત આઠ કલાક લાગશે. આજે (ગુરુવારે) ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીથી કટરાની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી છે. આ ટ્રેન ફક્ત આઠ કલાકમાં 655 કિલોમીટરનું અંતર કાપશે.


વંદે ભારત ટ્રેન ભારતની સૌથી આધુનિક ટ્રેન છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના પોતાના ભાષણમાં આવી ટ્રેનની વધારે માંગણીનો ઉલ્લેખ કર્યો હતો.


વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી કટરા (ટ્રેન નંબર : 22439) અને પછી કટરાથી દિલ્હી (22440) વચ્ચે અઠવાડિયાના છ દિવસ દોડશે. ફક્ત મંગળવારે આ ટ્રેન નહીં દોડે.


ટ્રેનની ઝડપ : વંદે ભારત ટ્રેનની મહત્તમ ઝડપ નવી દિલ્હીથી લુધિયાણા વચ્ચે 130 કિલોમીટરની હશે. ભારતીય રેલવેમાં પ્રથમ વખત આવું બની રહ્યું છે જ્યારે કોઈ સેક્શન (વિભાગ)ને ઝડપ બાબતે ખાસ મંજૂરી આપવામાં આવી હોય. એટલે કે દિલ્હી-લુધિયાણા સેક્શન પર કોઇ ટ્રેન 130 કિલોમીટરની ઝડપે દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે.


જ્યારે વંદે ભારત ટ્રેન લુધિયાણાથી કટરા સુધી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. દિલ્હીથી કટરા સુધી આ ટ્રેનની સરેરાશ ઝડપ 82 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.


વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 16 કોચ છે. જેમાં બેસવા માટે 1128 બેઠકની વ્યવસ્થા છે. જેમાં સામાન્ય ચેર કારના 14 ડબ્બા છે, જેમાં 936 સીટ છે.


આ ટ્રેનમાં ફક્ત બે એક્ઝિક્યુટિવ ચેર કાર છે. જેમાં 104 બેઠક છે. નવી દિલ્હીથી કટરા સુધીનું ચેર કારનું ભાડું રૂ. 1630 છે, જ્યારે એક્ઝિક્યુટિવ ચેર કારનુ ભાડું રૂ. 3010 છે.


આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે દોડશે અને બપોરે બે વાગ્યે શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશન પહોંચશે. કટરાથી આ ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, જે રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચશે. નવી દિલ્હીથી કટરા વચ્ચે આ ટ્રેન અંબાલા કેન્ટ, લુધિયાણા અને જમ્મુતાવીમાં પણ રોકાશે.