

શહેરના રસ્તાઓ પર અને નો પાર્કિંગ ઝોનમાં આડેધડ પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસે લાલ આંખ કર્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. જે અતંર્ગત જાહેર રોડ, રસ્તાઓ અને પાર્કિંગની જગ્યાએ પર કરેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બુધવારે કોર્પોરેશને લો ગાર્ડન ખાતે આવેલી ખૂબ જ પ્રસિદ્ધ ખાઉગલી પર બુલડોઝર ફેરવી દીધું હતું. ગુરુવારે પણ આ કાર્યવાહી ચાલુ રહી છે.


ગુરુવારે શહેરના વિવિધ સોલાથી સત્તાધાર ચાર રસ્તા સુધી તેમજ હાટકેશ્વરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાર્કિંગ મુદ્દે સન સ્ટેપ ક્લબનો મુખ્ય દરવાજો પણ તોડી પાડવામાં આવ્યો હતો. ફૂટપાથ તેમજ રસ્તા પર કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવું દેવાયું હતું.


હાટકેશ્વર વિસ્તારમાં પણ કોર્પોરેશને દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરી હતી. અહીં પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ઘરની બહારનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કોર્પોરેટરે આ બાબતે વિરોધ કર્યો હોવા છતાં દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ જ રહી હતી.