

સંગમ શહેર પ્રયાગરાજમાં લાગવા જઈ રહેલા કુંભ મેળામાં પહોંચી રહેલા કેટલાએ સાધુ સંતો લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે છેલ્લા કેટલાક વર્ષથી સળંગ એક પગ પર ઉભા રહેલા ખડેશ્વરી બાબા પણ આમાંના જ એક છે. ખડેશ્વરી બાબા છેલ્લા ચાર વર્ષમાં એક પળ માટે પણ બેઠા નથી અને ઊંઘ્યા પણ નથી અને આખો દિવસ માતેર એક પગ પર જ ઉભા રહે છે.


ગાજિયાબાદથી આવેલા ખડેશ્વરી બાબાનો સંકલ્પ છે કે, જ્યાં સુધી અયોધ્યામાં ભગવાન રામ અને ગાજિયાબાદમાં ભગવાન શિવનું મંદિર નહી બને ત્યાં સુધી તે એક પગ પર જ ઉભા રહેશે, અને આ દરમ્યાન અન્ન પણ ગ્રહણ નહી કરે.


તમને જણાવી દઈએ કે, તેમનું નામ અખાડાના મહંત રૂપગિરી જી મહારાજ છે. મહંત રૂપગિરીજીએ ઉજ્જૈનના કુંભ મેળા પહેલા જ આ અનોખો સંકલ્પ લીધો હતો.


પોતાના ગુરૂ દૂધેશ્વર મહાદેવ મંદિરના મહંત સ્વામી નારાયણ ગિરી સામે લીધેલા આ સંકલ્પને ખડેશ્વરી બાબા રૂપ ગિરી છેલ્લા ચાર વર્ષથી નિભાવી રહ્યા છે.


24 કલાક તે માત્ર એક હીંચકા જેવા સ્ટેન્ડનો સહારો લઈને ઉભા જ રહે છે. અહીં ઉભા રહીને જ તે ઈશ્વરની આરાધના કરે છે, ઉભા રહીને જ તે ફલાહાર પણ લે છે, અને ઉભા રહીને જ ઊંઘ પણ પૂરી કરી લે છે. એટલું જ નહી પોતાનું નિત્ય કર્મ પણ તે ઉભા રહીને જ કરી લે છે.


તે કહે છે કે, હીંચકાનો સહારો તે એટલા માટે લે છે, કારણ કે પુરી જિંદગી ઉભા રહેવા માટે શરીર સાથ આપે. હઠયોગી મહંત રૂપગિરીનું કહેવું છે કે, પોતાના શરીરને કષ્ટ આપવાનો આટલો મુશ્કેલ નિર્ણય તેમણે મંદિરના નિર્માણ માટે લીધો છે.


હઠયોગી રૂપગિરી જી મહારાજ નાગા સંન્યાસીઓના જુના અખાડા સાથે જોડાયેલા છે. ધર્મગ્રંથો અનુસાર, જીવનભર અથવા પછી એક નિશ્ચિત સમય સુધી સળંગ ઉભા રહેવાનો સંકલ્પ કરનારા સાધુઓને ખડેશ્વરી કહેવામાં આવે છે. ખડેશ્વરી થવાનો સંકલ્પ ખુબ મુશ્કેલ સાધના માનવામાં આવે છે. હવે મહંત રૂપગિરી પ્રયાગરાજના કુમ્ભ મેળામાં લોકોના ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.