

રાજકોટ : આજથી ગોંડલ (Gondal) સહિત દેશભરમા BAPS (Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha)ના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે. આજે વહેલી સવારથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરો ભક્તો માટે બંધ હતા. ત્યારે સરકારની ગાઈડલાઈન (Unlock 1.0 Guideline) પ્રમાણે આજથી મંદિરો (Temples open for Darshan) દર્શન માટે ખુલ્યા છે.


આજથી બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ મંદિરોમા ભક્તો સવારના 8 થી 11 તેમજ સાંજના 4 થી 6 દર્શન કરી શકશે. સાથે જ હાલ કોરોના મહામારીના કારણે દેશભરના BAPS સ્વામિનારાયણ મંદિરોમાં હાલ પ્રસાદી, જમવાની, રહેવાની તેમજ બુક સ્ટોલ અને થાળ ભેટ કાઉન્ટર બંધ રહેશે.


આજથી મંદિરોમા સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ મંદિરમા દર્શન માટે આવનાર વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. મંદિરના પ્રાંગણમાં ડિસઈન્ફેક્ટ મશીન પણ મૂકવામાં આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા બીએપીએસની ઓફિશિયલ વેબસાઇટ પર બીએપીએસ દ્વારા મંદિર ખોલવાની જાહેરાત કરી હતી.


સાથો સાથ મંદિર ખુલતાની સાથે દર્શન માટે હરિભક્તોએ કયા પ્રકારના નિયમનું પાલન કરવાનું રહેશે તેમજ હાલ કોરોનાની મહામારીના કારણે સિનિયર સિટિઝન તેમજ દસ વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને જુદા જુદા રોગોથી સંક્રમિત થયેલા લોકોને શક્ય હોય તો દર્શન કરવા ન આવવા પણ વિનંતી કરવામાં આવી હતી.


બીજી તરફ લાંબા સમય બાદ દર્શન માટે મંદિર ખુલતા હરિભક્તોમાં પણ આનંદની લાગણી છવાઇ છે. આજે વહેલી સવારથી હરિભક્તો પોતાની શ્રદ્ધા મંદિરોમાં હરી કીર્તન કરતા હરિ નામ લેતા નજરે પડ્યાં હતાં.