

દીપિકા ખુમાણ, વિભૂ પટેલ, અમદાવાદ : આજે ભગવાન જગન્નાથજીની 142મી પરંપરાગત રથયાત્રાનો પાવન પર્વ છે. આજે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ રહેવા જશે. અમદાવાદનાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે પુનમના દિવસે જળયાત્રામાં 15 ગજરાજ,108 ધજા, 600 ધજા પતાકા, અખાડા, નૃત્યમંડળી તથા રાસમંડળી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે જશે. સોમનાથ ભુદરના આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવશે.


આખા વર્ષમાં આ એક જ દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે. જે બહુ શુભ અને ભવ્ય હોય છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી.


સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ સવારે 10 વાગ્યાની આસપાસ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ તેમને સવારે 11 કલાકે ગજવેશ ધારણ કરાવવામાં આવશે.


આજે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાય તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકાળવામાં આવશે. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરશે.


તા.17મી જૂનથી તા.2 જૂલાઇ દરમિયાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિર ખાતે પણ ભકતજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ-બહેનો દ્વારા ભજન-ધૂનના ભકિત કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ જ દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે નગરજનોના ખબરઅંતર જાણવા નગરયાત્રાએ નીકળશે અને એ જ ભવ્ય રથયાત્રા.