હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Mahila Police Station)માં એક પરિણીતાએ તેના પતિ, સાસુ અને સસરા સામે માનસિક ત્રાસ (Physical and Mental Harassment) અને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તે લગ્ન બાદ પ્રેગ્નેન્ટ થઈ હતી ત્યારે છ મહિનાનો ગર્ભ હતો ત્યારે પણ તેનો પતિ શારીરિક સંબંધ (Physical Relation) બાંધવા માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં મહિલાએ સિજેરિયન બાદ એક બાળકને જન્મ આપ્યો તેના ચાર જ દિવસમાં પતિએ શારીરિક સંબંધ માટે દબાણ કરતા પરિણીતાએ આખરે કંટાળીને પોલીસમાં ફરિયાદ આપી છે.
નરોડામાં રહેતી 26 વર્ષીય યુવતીએ તેના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેના લગ્ન વર્ષ 2016માં ઉત્તર પ્રદેશ ખાતે થયા હતા. યુવતીનો બી.એડનો અભ્યાસ ચાલુ હોવાથી તે લગ્ન બાદ તેના પિયરમાં પરત આવી હતી. બાદમાં પતિ-પત્ની ભાડાના મકાનમાં અલગ રહેવા ગયા હતા. પરંતુ લગ્ન બાદ થોડા સમયથી જ આ પરિણીતાનો પતિ તેની પર ખોટી શંકાઓ રાખી તેની સાથે શારીરિક સંબંધ રાખવા માટે ઝઘડો કરતો હતો. સાસુ-સસરા પણ જ્યારે તેમના ઘરે આવતા ત્યારે દહેજની માંગણી કરતા હતા. 'મોટી પુત્રવધૂ દહેજમાં સોનાના દાગીના લાવી છે તો તું પણ તારા પિયરમાંથી દાગીના લઇ આવ' એમ કહીને ત્રાસ આપતા હતા.
લગ્નના ત્રણેક માસ બાદ પરિણીતાને પ્રેગ્નન્સી રહેતા તેનો પતિ તેને સારવાર કરાવવાની પણ ના પાડી દેતો હતો. પ્રેગ્નેન્સીના છ મહિના બાદ પણ તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. શારીરિક સંબંધ બાંધવાથી બાળકને નુકસાન થશે તેવું કહેતા તેનો પતિ માર મારીને તેને પિયરમાં જવા માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં વર્ષ 2017માં આ પરિણીતાએ બાળકને જન્મ આપ્યો તેના ચાર દિવસ બાદ જ તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પરિણીતાએ સિજેરિયનથી બાળકને જન્મ આપ્યો હોવાથી તે સંબંધ રાખવાની ના પડાતી હતી. આથી તેનો પતિ તેણીનું ગળું દબાવી મારી નાખવાની ધમકી આપતો હતો અને તેના કોઈ અન્ય પુરુષો સાથે આડાસંબંધ હોવાની વાત કરી તેની સાથે ઝઘડા કરતો હતો.
આ પ્રકારના ઝઘડા કરીને તેના સાસુ-સસરા પણ ત્રાસ આપતા હતા. આ બાબતને લઈને સમાધાન પણ થયુ હતું પરંતુ સાસરિયાઓએ છૂટાછેડા લેવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન વર્ષ 2019માં તેના સાસરિયાઓ આવ્યા હતા અને બાળકને રમાડવા માટે લઈ જવાના બહાને તેને સાથે લઈને જતા રહ્યા હતા. જે બાદમાં બાળકને આપીશું નહીં, તમારે થાય તે કરી લો કહીને ધમકી આપી હતી. આ મામલે પરિણીતાએ તેના પતિ, સસરા અને સાસુ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ તપાસ શરૂ કરી છે.