વિભુ પટેલ, અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જાર જોઈને વરતારો કાઢ્યો હતો કે, ચોમાસું એકંદરે સારું રહેશે. તેમજ વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી ભેજનું પ્રમાણ વધુ રહેશે. ઘણી વખત વાવાઝોડા સાથે વધુ વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વરસાદની ખેંચ પડતી હોવાથી ત્યારે પિયત આપવું પડે. પરંતુ હવે તેમણે ગાડલી જોઈને પણ અનુમાન લગાવ્યું છે.
ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોવામાં આવે છે અને વર્ષ કેવું રહેશે, તેનું તારણ લગાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના દિવસે ગાડલી જોવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગાડલી જોઈને અનુમાન લગાવ્યું છે કે, ગાડલીથી ઉતર તરફ ચંદ્ર હોય તેવું અનુમાન છે. જેના કારણે વર્ષ સારું રહેશે. ચૈત્ર સુધ પાંચમના દિવસે સંધ્યા સમય પછી ગાડલી જોવામાં આવે છે. જેમાં રોહિણી નક્ષત્રના ઝૂમખા પરથી અનુમાન લગાવવામાં આવે છે. જ્યારે આ વર્ષે ગાડલીની વાત કરીએ તો, રોહિણી નક્ષત્રના ઝૂમકાના ઉત્તર બાજુ ચંદ્ર જોવા મળ્યું હતું. જેના લીધે એકંદરે વર્ષ સારુ રહેશે, તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ગાડલીના 4 તારાનો ભાગ ગાડાની બેઠક ગણવી. તેમજ ઉપરનો ભાગ ધોસરો ગણવો. તારા અને ગાડા વચ્ચેના ભાગને ઉધ ગણવી. જે સાલમા ગાડલીથી ચંદ્રમાં આગળ હોય તો વર્ષ સારું થાય અને વેપારીઓને લાભ થાય છે. જ્યારે ધોસરેથી ઉધ ઉપર ચંદ્રમાં હોય તો વેપારીઓને લાભ થાય છે અને વર્ષ સરભર થાય છે. ગાડા વચ્ચે ચંદ્રમાં હોય તો દુકાળ ગણવવામાં આવે છે. ગાડલીથી ઉતરમાં ચંદ્રમાં હોય તો વેપારીને કમાણી નહીં વર્ષ સાધારણ જાય છે. ચંદ્રમાં ગાડલીની પછવાડે હોય તો વર્ષ સારું થાય છે. ચંદ્ર અસ્ત પામતા કૃતિકા નક્ષત્ર આથમે તો વર્ષ સારું નહીં અને ખરાબ પણ નહીં, તેમ મનાય છે.