આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની વાતથી પતંગ રસિયાઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ઉત્તરાયણમાં સૌથી પવનનું હવામાન ગણાતું હોય છે કારણ કે પતંગ ચગાવવા માટે હવા સારી હોય તે જરુરી છે. હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન સારો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, પતંગ અને ફીરકીની ખરીદી કરવા જઈ રહેલા લોકોને એક બાબતનો કડવો અનુભવ પણ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, ઘણાં વર્ષો પછી આ વખતે પવનની દિશા અને ગતિ બરાબર રહેવાની છે. 14મી તારીખે એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે પવનની દિશા ઉત્તર-પૂર્વની અને ઉત્તરની રહેશે, મોટાભાગની જગ્યાએ 20-25 Kmphની ગતિ સાથે પવનની ગતિ રહેશે જ્યારે કેટલાક જગ્યાઓ પર 25kmph કરતા પણ વધુ પવનની ગતિ રહેવાની સંભાવના છે.
દિવસ દરમિયાન કેવો રહેશે પવન?: હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી જણાવે છે કે, 14મી અને 15મી જાન્યુઆરીએ પવનની ગતિ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે આ સિવાય કેટલાક સમય દરમિયાન તે વધીને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. એટલે કે પતંગ રસિયાઓએ ઠૂમકા મારીને પોતાના ખભા અને હાથ દુખાડવા પડશે નહીં.
ગુજરાતમાં ક્યાં કેવો પવન રહેવાનો છે?: પરેશ ગોસ્વામી જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સવારથી જ પવનની ગતિ સારી રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારો છે ત્યાં બપોર સુધી પવનની ગતિ સામાન્ય રહેશે અને તે પછી પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે. એટલે કે બપોર પછી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની વધારે મજા માણી શકશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી આવતા સીધા પવનોના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં કેટલાક સ્થળો પર તાપમાન 6થી 7 ડિગ્રી પર પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટવાની સંભાવના છે. ઉત્તરાયણમાં ઠંડી રહેવાની સંભાવના છે જેથી બપોરના સમયે પતંગ રસિયાઓએ ધાબા પર આકરા તાપમાંથી રાહત મળી શકે છે.
આ વખતે ઉત્તરાયણમાં પવન સારો રહેવાની આગાહીથી પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ પતંગ અને માંજાની છેલ્લી ઘડીએ સસ્તી ખરીદી કરવાના વિચાર સાથે બજારમાં ગયેલા લોકોને મોંઘવારીનો ડામ મળી રહ્યો છે. સામાન્ય રીતે અમદાવાદમાં છેલ્લી ઘડીએ ઉત્તરાયણની ખરીદી સસ્તામાં થઈ જવાનું માનીને પતંગ રસિકો બજારોમાં જતા હોય છે, પરંતુ આ વખતે પતંગની જેમ ભાવ પણ આસમાને પહોંચી જતા પતંગના રસિયાઓને આંચકો લાગી રહ્યો છે.
પતંગ અને દોરીમાં 20થી 25 ટકાનો ભાવ વધારો: આ વખતે મુક્ત રીતે ઉત્તરાયણની મજા માણવા માટે રસિયાઓ તૈયાર છે પરંતુ તેમને ભાવ વધારો નડી રહ્યો છે. આ વખતે પતંગ અને દોરીના ભાવમાં પાછલા વર્ષોની સરખામણીમાં 20થી 30 ટકા જેટલો ભાવ વધારો થયો છે. ભાવમાં વધારો થવાના કારણે ડિમાન્ડમાં 70% જેટલો ઘટાડો થયો છે. મોંઘવારીના કારણે માંજાના કારોબારને મંદી નડી રહી છે.