ન્યૂયોર્કના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યાં હતા. ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૃચ્છા પણ કરી હતી. તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે એ વિશે જાણકારી મેળવી હતી.
વિદેશી ડેલિગેટ્સને તાજ સ્કાયલાઇન હોટેલ ખાતે રોકાણ અપાયું છે. બુધવારે ચેક-ઇન બાદ વિવિધ દેશના ડેલિગેટ્સે પોતાની રીતે ઑટો રિક્ષામાં બેસીને અમદાવાદની સહેલ કરી હતી. જાકાર્તાથી આવેલા પ્રતિનિધિ મંડળના ડો. હારાયતી, ફેરી વિબો સુગીહાર્તો સહિતના સભ્યોએ બાદમાં લો-ગાર્ડન ખાતે પરંપરાગત ગુજરાતી ડ્રેસની ખરીદી કરી હતી તથા સિદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે અર્બન-20 બેઠકમાં બાર્સેલોના, સાઓ પાઓલો, મિલાન, બ્યુએનોસ એરિસ, ડર્બન, પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રીડ,ટોકિયો, ઇઝમીર, જાકાર્તા, લોસ એન્જેલસ, મેક્સિકો સિટી, ન્યૂયોર્ક, રિયાધ, ક્વિટો, સાઉથ ઢાકા, પોર્ટ લુઇસ સહિતના શહેરોના પ્રતિનિધિઓ સામેલ થશે. સાથે જ ક્લાઇમેટ 40 (C-40) ગ્રુપના વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.