અમદાવાદ: રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું, આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદને લીધે પાકને મોટું નુકસાન પહોંચવાની ભીતી સેવાઇ રહી છે.
સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મ. ગુજરાતમાં માવઠું થઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને ગાંધીનગરમાં માવઠું થઈ શકે છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે. જ્યારે 29મી જાન્યુઆરીથી રાત્રે ફરી ઠંડીનું જોર વધી શકે છે. ધીરે-ધીરે 4 ડિગ્રી સુધી પારો ઊંચકાઈ શકે છે.