અમદાવાદ: રાજ્યના ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું થયું છે. સાથે જ આ સવારે વડોદરાના કેટલાક વિસ્તારો, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેતરમાં ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. કમોસમી વરસાદની આગાહી પગલે જિલ્લામાં વરસાદી ઝાપટા પડયા છે. સંતરામપુર ખાનપુર વિરપુર બાલાસિનોર લુણાવાડા કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા છે. ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકને નુકસાનની ભીતિ છે. બાજરી, મકાઈ, ચણા સહિત ઘાસચારાને નુકસાનની ભીતિ છે. જિલ્લામાં વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત છે.
સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.