અમદાવાદના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે શહરેના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વટવા, નારોલ, લાંભા, રામોલ, મણીનગરમાં વરસાદ પડ્યો છે. ઈસનપુરમાં બપોરે માવઠું પડ્યું છે. આજે સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ હતું, ત્યારે બપોરે વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ, ઈસનપુરમાં સમૂહલગ્ન દરમિયાન વરસાદ થતા દોડધામ મચી હતી. સવારથી સુસવાટાભર્યા પવન વચ્ચે બપોરે કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે.
રાજ્યના ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું થયું છે. સાથે જ આ સવારે વડોદરાના કેટલાક વિસ્તારો, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેતરમાં ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.