સંજય ટાંક, અમદાવાદઃ હજારો કિલોમીટરમાં પથરાયેલી ભારતીય સરહદ (Indian border) પર પાકિસ્તાન કે ચીન દ્વારા (pakistan-china) થતી ઘૂસણખોરી (Infiltration) અટકાવવા હવે કામ લાગશે અમદાવાદમાં બનેલા સર્વેલન્સ કેમેરા (Surveillance camera make in Ahmedabad). મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા આ કેમેરાની નજરથી હવે દેશના દુશ્મન બચી નહિ શકે. સીમા પર હિલચાલ પર સૈનિકો નજર રાખતા હોય છે ત્યારે હવે આ કેમેરા પણ દુશ્મન પર ચાંપતી નજર રાખશે જાણો કેવી રીતે.
ભારતમાં 22હજાર કિલોમીટરમાં ફેલાયેલી ભારતની સરહદ પર પાકિસ્તાન અને ચીન સાથે ઘુસણખોરી મુદ્દે સતત વિવાદ રહે છે. આ માટે ભારતીય સેનાના જવાનો બોર્ડર પર સતત નજર રાખતા હોય છે. છેલ્લાં અમુક વર્ષોથી ટેકનોલોજી આધારિત સર્વેલન્સનો વપરાશ વધ્યો છે. જોકે આને માટે ભારતે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પર આધાર રાખવો પડે છે, પણ હવે ભારત આ બાબતે આત્મનિર્ભર બની રહ્યું છે અને આ માટે જ દેશની કંપનીઓને ડિફેન્સ તરફથી ઓર્ડર મળી રહ્યા છે. સરહદની દેખરેખ માટે સર્વેલન્સ કરવા ચીનની બોર્ડર પર આર્મી ખાસ પ્રકારના સર્વેલન્સ કેમેરા ગોઠવી રહ્યું છે અને આનો એક ભાગ બનશે અમદાવાદનું મેક ઇન ઇન્ડિયા ઓપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની બોર્ડર પર ઘૂસણખોરી સામે અમદાવાદમાં ડિઝાઇન થયેલા કેમેરા નજર રાખશે. આ કેમેરાની અનેક ખાસિયત છે. તેમાની એક છે કે વાહન 20 કિમી દૂર હશે તો પણ કહેશે કે તેમા સેના છે કે સામાન.
ઓપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેકના કો-ફાઉન્ડર સંદીપ શાહે જણાવ્યું હતું કે સરહદ પર અલગ અલગ વાતાવરણમાં એનાં કેવાં પરિણામો મળે છે એ માટે ચીન સાથેના બોર્ડર વિસ્તારમાં એક ટ્રાયલ કરવામાં આવી હતી. સીમાપારથી થતી ઘૂસણખોરી તેમજ પાડોશી રાષ્ટ્રોના સૈનિકોની હિલચાલ પર આ કેમેરાથી નજર રાખી શકાય છે. જેમાં કેમેરાની ખાસિયતની વાત કરીએ તો 30 કિમી વિસ્તારમાં આવતા કોઈપણ વાહન અને 18 કિમીમાં કોઈપણ વ્યક્તિની હિલચાલને ડિટેક્ટ કરે છે. વાહન આર્મીનું છે કે સામાન્ય વ્હીકલ છે એ 20 કિમી દૂરથી ઓળખી બતાવશે. આર્મીના વાહન સાથે હથિયાર છે કે લોકોને લઈ જતું વાહન છે એની જાણકારી આપશે.
એવી જ રીતે 12 કિમીમાં વ્યક્તિ સિવિલિયન છે કે પછી હથિયાર સાથે છે એનું એલર્ટ આપશે. બોર્ડરની નજીક આવતી વ્યક્તિ સૈનિક છે કે પછી સામાન્ય વ્યક્તિ છે એ ઓળખી બતાવશે, સાથે જ ઘૂસણખોરી કે અન્ય શંકાસ્પદ ઇરાદાથી આવતી વ્યક્તિને 0.5 કિમીની અંદર આઇડેન્ટિફાઇ કરી એલર્ટ મોકલશે. કૅમેરામાં વપરાયેલી ટેકનોલોજીની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના માધ્યમથી બોર્ડર આસપાસના વિસ્તારમાં કોઈપણ હિલચાલ થશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને એની હાઇ ડેફિનેશન ઇમેજ કન્ટ્રોલ રૂમને મોકલશે. આ કેમેરા 360 ડીગ્રી ફરી શકે છે.
ભારતના હજારો કિમી લાંબા બોર્ડર વિસ્તારમાં માત્ર સૈનિકો દ્વારા નજર રાખવી શક્ય નથી અને એના માટે સરહદ પર ટેકનોલોજી આધારિત કેમેરા સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત મોટે ભાગે અમેરિકા, ઇઝરાયેલ જેવા દેશો પાસેથી આવી ટેકનોલોજી ખરીદતું આવ્યું છે અને એ ઘણી મોંઘી પણ છે. છેલ્લાં અમુક વર્ષોથી ઘરઆંગણે બનતા આવા સર્વેલન્સ કેમેરા આર્મી ખરીદી રહ્યું છે.
ડિફેન્સ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ પણ આમાં સક્રિય બની છે, જેને કારણે આવનારા દિવસોમાં બોર્ડર સર્વેલન્સમાં ભારત સક્ષમ બનશે સંદીપ શાહે બેંગલુરુમાં રહેતા પોતાના ભાઈ ધરીન શાહને વાત કરી અને અનિલ કુમાર યેક્કાલા તેમજ કુલદીપ સક્સેનાના સહયોગથી ટીમ બનાવી ઓપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેકની શરૂઆત કરી હતી. ભારતના ટોચના 10 ડિફેન્સ સ્ટાર્ટઅપમાં ઓપ્ટિમાઇઝનો સમાવેશ થાય છે. ઓપ્ટિમાઇઝ ઇલેક્ટ્રોટેક દ્વારા ડેવલપ થયેલા કેમેરાનું મેન્યુફેક્ચરિંગ બેંગલુરુમાં થાય છે. ઇઝરાયેલ અને અમેરિકા થી ખરીદી થતા સર્વેલન્સ કેમેરા ખૂબ મોંઘા હોય છે. એજ કેમેરા અહીથી ખરીદવામાં આવશે તો તેની 30થી 40 ટકા કોસ્ટ નીચી આવશે.