વિભુ પટેલ, અમદાવાદ : હોળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જાય છે. જેમાં પંચમહાલ, દાહોદ તેમજ રાજસ્થાન તરફ મુસાફરોનું ટ્રાફિક વધારે હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી પંચમહાલ તરફ જવાનું ટ્રાફિક વધતાની સાથે રોજની 15થી 20 બસનું એકસ્ટ્રા સંચાલન કરવામાં આવશેય તો સુરતથી પણ 25 માર્ચથી 200 વધારાની બસો દોડાવવામાં આવશે.
એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે તહેવારોમાં મુસાફરો ધસારો વધતો હોય છે. જેને લઈ એસટી નિગમ આગોતરું આયોજન કરે છે અને ચાલુ વર્ષે પણ હોળીના તહેવારને લઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ સજ્જ છે. મુસાફરો ખોટી ભીડ ના કરે. સ્ટેશન પર કર્મચારીઓ અને મુસાફરો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.