સંજય ટાંક, અમદાવાદ : એક તરફ સ્કૂલ ફી વિવાદ ઉકેલવા માટે સરકારે 25 ટકા ફી માફી જાહેર કરી છે. એટલું જ નહીં જે વાલી પુરી ફી ના ભરી શકે તેમને માસિક ફી ભરવા અને તે વાલી સાથે વન ટુ વન બેઠક કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો તેવી શિક્ષણ વિભાગે કડક સૂચના આપી છે છતાં શાળાના સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે. હવે આવા સ્કૂલ સંચાલકોનું શું કરવું જે સરકારના કે શિક્ષણ વિભાગના આદેશને પણ ઘોળીને પી ગયા છે. જો માનવામાં ના આવતું હોય આ લેટર તો જોઈ લો.
કોરોના વાયરસના સંક્રમણ સાથે શરૂ થેયલો સ્કૂલ ફીનો વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી. અનેક વિરોધ પ્રદર્શનને અંતે હાઇકોર્ટે સ્કૂલ ફીનો ઉકેલ સરકાર પર સોંપતા રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી મામલે 25 ટકા રાહત આપી હતી. તેમ છતાં કેટલીક સ્કૂલના સંચાલકો હજુ પણ દાદાગીરી કરી રહ્યા છે અને પુરી ફી ભરવા દબાણ કરી રહ્યા છે.
બોપલની સત્યમેવજયતે સ્કૂલ દ્વારા પ્રથમ સત્રની પૂરી ફી ભરવા વાલીઓને લેટર મોકલી દબાણ કર્યું છે. જે વાલીઓએ ફી ભરી નથી તેવા બાળકોને ઓનલાઇન ક્લાસમાંથી કાઢી મુકાયા છે. બાળકનો અભ્યાસ ના બગડે તે રીતે ફી માંગવાની સરકારે તાકીદ કરી હોવા છતાં સ્કૂલ સંચાલકો મનમાની કરી રહ્યા છે. આમ તો સ્કૂલ દ્વારા ઓનલાઇન ક્લાસમાંથી રિમુવ કરાયા છે પણ સ્કૂલની દાદાગીરી સામે એક વાલીએ અવાજ ઉઠાવ્યો છે.
સ્કૂલમાં અભ્યાસ કરતો બાળક રોહિત બેહરા ધોરણ 7 માં ભણે છે. વર્ષની 44 હજાર ફી છે. વાલીએ ઓલરેડી ઓગસ્ટ મહિનામાં એક હપ્તો ભરી નાખ્યો છે હવે ફરીથી સ્કૂલ ફી ભરવાનું કહે છે. બાળકના પિતા નિરંજન બહેરાએ જણાવ્યું હતું કે સ્કૂલ પહેલા સત્રની પુરી ફી માંગે છે અને 25 ટકા ફી માફીની વાત છેલ્લા ક્વાર્ટરમાં થશે તેવું જણાવે છે અને જે બાળકોની ફી બાકી છે તેમને ઓનલાઇન કલાસના ગ્રુપમાંથી રિમુવ કરી દેવાયા છે. એટલું જ નહીં જે લોકોએ 8 ઓક્ટોબર સુધી ફી ભરી નથી તેમના બાળકોને પરીક્ષા પણ આપવા દીધી નથી. સ્કૂલના આવા વર્તનથી બાળકોના મનોસ્થિતિ પર અસર થઈ રહી છે. સ્કૂલે લેટરમાં લખ્યું છે જે 7 ઓક્ટોબરમાં વાલીઓ ફી નહીં ભરે તો 8 ઓક્ટોબરથી ઓનલાઇન કલાસ શક્ય નહીં બને. બીજી તરફ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરતા તેઓએ કશું જ કહેવાનો ઇનકાર કર્યો હતો.
મહત્વનું છે કે સ્કૂલ દ્વારા વાલીઓને મોકલવામાં આવેલા લેટરમાં સ્કૂલ સંચાલકોની દાદાગીરી સાફ દેખાઈ રહી છે. હાલમાં જ્યારે કોરોના કાળમાં સૌ કોઈ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે તેવામાં ફી માંગવાની બાબતમાં એક પછી એક સ્કૂલ વિવાદમાં આવી રહી છે. બોપલની આ સત્યમેવજયતે ઇન્ટરનેશનલ સ્કૂલે વાલીઓને ફી મામલે દબાણ કરવામાં તમામ હદ પાર કરી નાખી છે ત્યારે જોવાનું એ રહે છે જે શિક્ષણ વિભાગ હવે આ શાળા સામે કેવા પગલાં ભરે છે.