વિભુ પટેલ, અમદાવાદ: 2020 સાંસદ આદર્શ ગામ (Sansad Adarsh Gram Yojana) તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) અમદાવાદનું સાણંદ તાલુકાના મોડાસર (Modasar village) ગામને પસંદ કર્યું હતું. મોડાસર અંદાજે 7 હજાર આસપાસ વસ્તી ધરાવતું ગામ છે. મોડાસરમાં જવા માટે પાકો રસ્તો, ગામમાં એન્ટ્રી લેતા જ વિશાળ તળાવ આવેલું છે. ગામના તળાવને પણ હજુ રીડેવલોપ કરાશે. ગામમાં પ્રવેશ કરતા જ ગામની શોભા વધારતો સુંદર ગેટ આવેલો છે. આ ગામને તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. મોડાસર ગામમાં શહેર જેવી તમામ સુવિધા ગામમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. મોડાસર ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, બેન્ક, પોસ્ટ ઓફિસ તેમજ શાળામાં સ્માર્ટ રૂમ છે. આ કારણે ગામના બાળકોએ અભ્યાસ માટે બહાર જવું પડતું નથી.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું મોડાસર ગામ આદર્શ ગામના રેન્કમાં પ્રથમ નંબર પર આવ્યું છે, જે ગર્વની વાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે આ ગામને દત્તક લીધું હતું. મોડાસર ગામના તલાટી મીનલબેન બારોટ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદ આદર્શ ગામ માટે મોડાસરને પસંદ કર્યું હતું. ત્યાર બાદ વિકાસના કામો પણ કરવામાં આવ્યા છે. જેના કારણે ગામા તમામ પ્રકારની સુવિધા મળી રહે છે. આ ગામે આદર્શ ગામ બનવાના તમામ પેરામીટર પૂર્ણ કર્યા છે, જેના કારણે દેશમાં મોડાસર આદર્શ ગામના રેન્કમાં મોખરે છે. મોડાસર ગામને 100 માંથી 99.94 માર્ક્સ પ્રાપ્ત થયા છે.
મોડાસર ગામમાં બેન્ક, પોસ્ટ ઓફિસ, પીએસસી સેન્ટર, મોબાઈલ પશુ દવાખાનું, સહકારી મંડળીની સુવિધા છે. જેના કારણે ગામના લોકોએ તાલુકાની કચેરી સુધી જવું પડતું નથી. તેમજ ગામની સ્વચ્છતા માટે ટ્રેક્ટર, હાઇડ્રોલિક ટ્રોલી, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામની સફાઈ માટે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે.
મોડાસર ગામ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે. હજુ પણ ગામના વિકાસ માટે વિકાસલક્ષી પ્રોજેકટની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પાણીની ટાંકી, પીવાના પાણીની પાઇપલાઇન, ગટર લાઇન, આરસીસી રોડ, પેવર બ્લોક, સ્મશાન છાપરીના કામો તેમજ બાણ ગંગા તળાવ રીડેવલોપમેન્ટ, અત્રેશ્વર મહાદેવ મહાપ્રસાદ યોજનામાં લઈ જવાની કામગીરીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જોકે, બાળ ગંગા તળાવ મોડાસર ગામનું એક ઐતિહાસિક તળાવ છે, જેને સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત 8થી 11 કરોડના ખર્ચે રીડેવલ કરવામાં આવશે.
મોડાસર ગામના લોકોને તાલુકાની કચેરી સુધી ન જવું પડે તે માટે ગામમાં વિધવા સહા,ય વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, કિસાન સન્માન નિધિ, આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લોકોને આપવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા સતત અપડેટ લઈ યોજનાની તમામ લાભો ગ્રામજનોને મળે તે માટેનું કામગીરી કરવામાં આવી રહી છે.