સંજય ટાંક, અમદાવાદ: રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે તેમ-તેમ ગુજરાત ઠંડુગાર બની રહ્યું છે. રાત્રિ અને વહેલી સવાર દરમિયાન કોલ્ડવેવમાં લોકો ઠુઠવાઈ રહ્યાં છે. જોકે, મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે અને રુમનું ટેમ્પરેચર મેન્ટેઈન કરવા માટે રુમ હીટરનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આ પ્રકારે હીટરનો વધુ પડતો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. હીટરનો ઉપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ત્યારે ડોક્ટર્સ શું ચેતવણી આપી રહ્યાં છે, તે જાણવું પણ જરુરી છે.
ઉત્તર ભારતમાં હીમવર્ષાની સીધી અસર ગુજરાતના તાપમાન પર થઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જ્યારે ઠંડીમાં લોકો બહાર નીકળે ત્યારે તો ગરમ કપડાનો સહારો લઈ રહ્યાં છે, પરંતુ ઘણા લોકો ઘરમાં પણ રુમ ટેમ્પરેચર વધારવા હીટરનો ઉપયોગ કરતા હોય છે. જોકે, ડોક્ટર્સના મતે હીટર વાપરવું હિતાવહ નથી.
જાણીતા ફીજીશિયન ડૉ. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, જ્યારે પણ રુમમાં હીટર થોડીવાર માટે ચાલુ રાખવામાં આવે ત્યાં સુધી વાંધો આવતો નથી, પરંતુ આખી રાત માટે હીટર ચાલુ રાખીને ઉંઘવું જોઈએ નહીં. જો આખી રાત હિટર ચાલુ રાખવામાં આવે તો એલર્જી કે સ્કીન ડ્રાય થઈ જવાની સમસ્યા ઉભી થતી હોય છે. આ ઉપરાંત સફોકેશનના કારણે ઘણીવાર શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી હોય છે.
એટલું જ નહીં, હીટરમાંથી નીકળતા ગેસથી કેટલીકવાર શ્વાસ રુંધાઈ શકે છે. જેના લીધે મોત પણ થવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે પણ હીટરનો ઉપયોગ કરો તો તે માત્ર એકાદ કે બે કલાક માટે તેને ચાલુ રાખો. નાના બાળકોને હિટરથી દૂર રાખો. જ્યાં હિટર ચાલુ હોય તેની પાસે ઓઢવાનો સામાન કે લાકડાનું ફર્નિચર કે આસપાસ કોઈ સામાન તેનાથી દૂર રાખવું જોઈએ.