સંજય ટાંક, અમદાવાદ: 26મી જાન્યુઆરી (26th January) હોય કે 15મી ઓગસ્ટ, દરેક દેશવાસી આ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. પરંતુ અમદાવાદના એક ડૉક્ટર (Doctor) એવા પણ છે, જેમના પોતાના માટે પોતાની હૉસ્પિટલ (Hospital) અને હૉસ્પિટલના દરેક સ્ટાફ માટે ધ્વજવંદન (Flag hoisting) અને રાષ્ટ્રગીત (National Anthem) સાથે તિરંગાને સલામી આપવી એ નિત્યક્રમ બની ગયો છે. અહીં 365 દિવસ દેશ ભક્તિ જોવા મળે છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી આ અમદાવાદની એક માત્ર એવી હૉસ્પિટલ છે જ્યાં રોજ દેશભક્તિનો માહોલ જોવા મળે છે.
દેશભરમાં 26 જાન્યુઆરી એટલે કે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, તેવામાં અમદાવાદમાં આવેલી ક્રિષ્ના હૉસ્પિટલમાં પણ ધ્વજવંદન અને રાષ્ટ્રગીત ગાઈને ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે મેમનગરની આ હૉસ્પિટલમાં રાષ્ટ્રગીત નિત્યક્રમ બની ગયું છે. સવાર પડતા જ હૉસ્પિટલનું કામકાજ શરુ થાય છે. પરંતુ પહેલા અહીં ડૉક્ટર અને તેમના સાથેનો તમામ સ્ટાફ રાષ્ટ્રગીત ગાય છે, ત્યાર બાદ જ કામકાજની શરુઆત થાય છે.
હૉસ્પિટલના ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ ડૉ. નેહલ સાધુનું કહેવું છે કે જેવી રીતે આપણે ઈશ્વરની આરાધના અને પૂજા કરીએ છીએ અને તેમાં આપણને આનંદ આવે છે, તેવું દેશભક્તિમાં પણ છે. પ્રભુભક્તિની જેમ રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ પણ લોકોમાં હોવી જરુરી છે. જ્યારથી આ હૉસ્પિટલ બની છે ત્યારથી આ નિત્યક્રમને અનુસરીએ છીએ. હૉસ્પિટલનો દરેક સ્ટાફ આ રોજિંદા નિયમનું પાલન કરવા ઉત્સાહિત હોય છે.
અહીં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા પણ રાષ્ટ્રગીતથી કામકાજની શરુઆતના વિચારથી પ્રભાવિત થયા છે. અહીં આવતા દર્દીઓ અને તેમના સગાઓનું કહેવું છે કે તિરંગો એ આપણા દેશની આન બાન અને શાન છે, આથી દેશભક્તિ કોઈ એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. આ પ્રવૃત્તિ દરેક જગ્યાએ થવી જોઈએ. મહત્ત્વનું છે કે અમદાવાદની આ હૉસ્પિટલ માટે દેશભક્તિ નિત્યક્રમ બની ગઈ છે. આ હૉસ્પિટલના તબીબો અને કર્મચારીઓ પાસેથી દરેક દેશવાસીએ શીખવા જેવું છે.