સંજય ટાંક, અમદાવાદ : રક્ષાબંધનને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે આજે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષોથી રાખડી બાંધતા કમર શેખની. તેમણે જણાવ્યું કે, 'હું 21 વર્ષની હતી ત્યારથી હું હિંદુસ્તાન આવી હતી. અને હું મને પોતાને હિન્દુસ્તાની માનું છું. હું હિંદુસ્તાન પાકિસ્તાનને અલગ ગણતી નથી. હું ઈચ્છું કે ભારત અને પાકિસ્તાન ફરી એક થઈ જાય. બંને દેશોના સંબંધ સુધારવાનો આધાર નરેન્દ્ર મોદી બને તેવું ઇરછા 26 વર્ષથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતા તેમના મુસ્લિમ બહેન કમર શેખ એ વ્યક્ત કરી છે.
દરેક બહેનની જેમ કમર શેખ પણ ખુશ છે કારણ કે રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે. તેઓ પણ પોતાના ભાઈ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા જવા માટે આનંદિત છે. નરેન્દ્ર મોદી માટે તેઓએ ડાયમંડ વાળી રાખડી તૈયાર રાખી છે. સાથે ભાઈ નરેન્દ્ર મોદીના નામ પ્રેમભર્યો સંદેશ પણ તૈયાર રાખ્યો છે. ગત વર્ષે તો કોરોનાના કારણે રાખડી બાંધવા તેઓ દિલ્હી જઈ શક્યા નહોતા અને પોસ્ટથી રાખડી મોકલાવી હતી. જોકે આ વર્ષે છેલ્લી ઘડીએ પણ પ્રધાનમંત્રીનો ફોન આવશે તો દિલ્હી જશે તેવી લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
કમર શેખના પતિ મોહસીન શેખ જણાવે છે કે ગત વર્ષે કોરોનાના કારણે દિલ્હી જઈ શક્યા નહતા. જોકે અમારા માટે લાગણી અને તેમની સેફટી મહત્વની છે. રક્ષાબંધન મનાવવામાં ડિસ્ટનસ ન જળવાય. મારા પત્ની મોદી સાહેબને રાખડી બાંધે અને તે અમે દુનિયા ને દેખાડીએ અમારા માટે મહત્વનું નથી અમારા માટે તેમના પ્રત્યેની લાગણી કાયમ છે તે જ મહત્વનું છે. જેમ બહેન ભાઈને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે. તેવી જ લાગણી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતા કમર શેખ પણ જોવા મળી રહી છે. સાથે આ વખતે જો તેઓ જઈ શકશે કે નહીં તે ખબર નથી પણ નરેન્દ્ર મોદી પ્રત્યેની દુઆએ હમેશા તેમની સાથે રહેશે તેવી લાગણી પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.