દીપિકા ખુમાણ, અમદાવાદ: બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ (Ahmedabad)ની મુલાકાત આવ્યા હતા. રક્ષાબંધનનાં તહેવાર પહેલા ગુજરાતમાં આવેલા અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ 'રક્ષાબંધન' (Raksha Bandhan)ને લઈને પ્રમોશન કર્યું હતું. ફિલ્મ પ્રમોશન માટે માત્ર અક્ષય જ નહી, પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ફિલ્મમાં અક્ષય કુમારની બહેનનું કિરદાર નિભાવનાર દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત અને સહજમીન કૌર પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં મુખ્ય કલાકારના રોલ નિભાવનાર ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) પણ અમદાવાદમાં ફિલ્મ પ્રમોશનના સેટ પર જોવા મળી હતી.
ફિલ્મ પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે જણવ્યું હતું કે, ફિલ્મ પ્રમોશન માટે ગુજરાત તેના માટે ઘણું લકી સાબિત થયું છે. આ ફિલ્મ તેની કારકિર્દીમાં સાઈન કરેલી સૌથી ઝડપી ફિલ્મ છે. સૌથી મહત્વની વાત એ છે કે અક્ષય કુમાર દેશમાં જ્યાં જ્યાં પણ ફિલ્મના પ્રમોશન માટે જાય છે ત્યાં ત્યાં પોતાની ઓન સ્ક્રીન બહેનોને કંઈક ખાસ ગિફ્ટ આપે છે. અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે પોતાની બહેનોને બાંધણીની સાડી ગિફ્ટ આપી હતી.
અક્ષય ચારેય બહેનોને સાડીની દુકાને ખરીદી કરવા માટે લઈ ગયો હતો. જે બાદ તમામ કલાકારોએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના પ્રમોશનનો લઈને અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ તેમનો આ જ અંદાજ જોવા મળ્યો હતો. જોકે, દર વખતની જેમ આ વખતે પણ અલગ જ અંદાજમાં પોતાની બહેનોને ઇન્દોરમાં ઈન્દોરનું પ્રખ્યાત નમકીન જ્યારે હૈદરાબાદમાં કિંમતી મોતી ગિફ્ટ કર્યા હતા. અમદાવાદની મોંઘી અને અસલ બનાવટની બાંધણી સાડી ગિફ્ટ કરી છે.
અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન ખૂબ મહત્વની: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પોતાની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને લઇને સોમનાથની મુલાકાત લીધી હતી. આ વખતે અમદાવાદ પહોંચેલા અક્ષય કુમારે પોતાની ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું કે, રક્ષાબંધન ફિલ્મમાં લાલા કેદારનાથનું કિરદાર તેઓ કરી રહ્યા છે, જેમાં 4 બહેનોના સૌથી મોટા અને એકમાત્ર ભાઈ, ચાટની દુકાન ચલાવે છે. જે તેમના પિતા દ્વારા શરૂ કરવામાં આવી હતી.
લાલા તેની માતાને વચન આપે છે કે તે પોતાની બહેનોના લગ્ન યોગ્ય ઘરોમાં કરવાની જવાબદારી નિભાવશે પછી જ તે લગ્ન કરશે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની કો સ્ટાર ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. આ બંને સિવાય નીરજ સૂદ, સીમા પાહવા, સાદિયા ખતીબ, અભિલાષ થપલિયાલ, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત અને સહજમીન કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘રક્ષા બંધન’ 11મી ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થવાની છે.