અંગદાન એ મહાદન એ વાતને સાર્થક કરી છે રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઇનડેડ મહિલાએ કે જેમના અંગોનાં દાનથી ઘણાં દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં ચાલી રહેલાં અંગ દાનના આભિયાને વેગ પકડ્યો છે. જેનાથી છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital)20 લોકોનાં શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોનાં જીવ બચ્યાં છે.
લેટેસ્ટ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાનનાં 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરનાં રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. જ્યાં 23 નવેમ્બરનાં રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ Tissue Transplant Organization)ની ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા.
બસુબેનનાં પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરનાં અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી. આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદનાં દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.