દિનેશ સોલંકી, ગીર સોમનાથ: રાજ્યમાં આ વખતે ઉનાળામાં ગરમીની સાથે માવઠું અને કરા પડી રહ્યા છે. જેની સીધી અસર કેરીના પાક પર પણ થઇ રહી છે. ગીરમાં હજારો હેકટર જમીનમાં કેસર કેરીના બગીચાઓ આવેલા છે. જે પર ગીરના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલાં તાઉતે વાવાઝોડાની અસરનાં કારણે કેસર કેરીના ઉત્પાદકોની દશા બેઠી હતી. આ વર્ષે પણ સતત કમોસમી વરસાદ અને કરાને કારણે ચાલુ વર્ષે કેસર કેરીના રસિકોને પણ કેરી કડવી લાગશે. આ વર્ષે ખરેખર કેસર કેરીની દશા બેઠી છે.
ગીર વિસ્તારનાં આંબાનાં બગીચાઓમાં ત્રણ તબક્કામાં ફલાવરિંગ આવ્યું હતું. શરૂઆતમાં તો મોર પુષ્કળ પ્રમાણમાં આવતા એવું લાગતું હતું કે, આ વર્ષ કેસર કેરીનો મબલખ પાક થશે. દાણો પણ સારો બાઝયો હતો. ત્યારબાદ ભૂકીછારો, પીળિયો અને મધિયાના રોગે ખેડૂતોને મૂંઝવ્યા. ગરમી વધવાને કારણે રોગ પર તો કુદરતી કાબુ આવી ગયો પરંતુ વાતાવરણની વિષમતાએ ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે.
આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થવાનો અંદાજ હતો. પરંતુ કરા અને કમોસમી વરસાદે ખેડૂતોની બાજી ઊંઘી વાળી દીધી છે. કેસરમાં રોગોને કારણે ખરણ આવવાનું બાકી હતું ત્યાં કમોસમી વરસાદે કેરીની દશા બગાડી. આથી આ વર્ષ કેસરનું ઉત્પાદન ચોક્કસ ઘટશે તે નિર્વિવાદ બન્યું છે. આ કારણોથી કેસર કેરીના ભાવ આસમાનને આંબશે અને કેસર રસિયાઓ માટે કેસર કડવી બનશે તેવું દર્શાવાઇ રહ્યું છે.
ગીર વિસ્તારમાં હાલ 35થી 40 ડિગ્રી તાપમાનનો પારો હોવો જોઈએ. ગરમી વધવી જોઈએ જેને બદલે હાલ 25થી 30 ડીગ્રી જ તાપમાન રહે છે. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ કેસર કેરીના બગીચાઓમાં વૃદ્ધિ થતી હોય છે. પણ વાતાવરણની વિષમતાને કારણે કેસર પર આવેલી ખાખડીઓ ખરી ગઈ. જે બચી છે તે હજુ ઘણી નાની છે. દર વર્ષે માર્ચના ત્રીજા અઠવાડિયામાં કેરી બજારમાં આવી જતી હોય છે. આ વર્ષ હજુ નાની ખાખડી જ જોવા મળે છે. એ પણ આંગળીના વેઠે ગણાય તેમ આંબા પર બાઝેલી રહી છે. જેના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ચોક્કસ ઘટશે અને ભાવો પણ ઘણા ઊંચા રહેશે.
કેસર કેરીને લઈને ખેડૂતો ઈજારદાર અને વેપારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી દુઃખી છે. પેલી કહેવત વર્તમાન સમયમાં સાર્થક થઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. 'ગોળ, કેરી અને કાંદા, તેના વેપારીઓ કાયમ માંદા.' કેસર કેરીના બાગાયતી પાક પર નિર્ભર ખેડૂતો અને ઇજારદાર પાયમાલી તરફ ધકેલાયા છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બન્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર અને કુદરતી આફતોને કારણે ગીરમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.
આંબાનાં ઝાડ માત્ર કેરી જ નથી આપતા પણ આજના પ્રદૂષિત વાતાવરણને સુધારવામાં પણ એટલોજ ભાગ ભજવી રહ્યા છે. કેમ કે, તે આખરે એક વૃક્ષ છે. આ વૃક્ષોની કિંમત આપણે કોરોના કાળમાં ઘટતા ઓક્સિજનની અસર સમયે બહુ સારી રીતે સમજાય ગઇ છે. ગીરમાં કેસર કેરીનાં આંબાઓમાં બે વર્ષ પહેલા કૂંકાયેલા વાવાઝોડાની અસરથી ગીરમાં ઉના-ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં વૃક્ષોમાં તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાની અમર્યાદિત પવનની ઝડપમાં આંબાનાં મૂળ તૂટી જવા સાથે મુળિયામાં હલચલ થતા આંબાવાડીઓમાં દર વર્ષે ચાલતી ક્રિયાની કુદરતી સાઇકલ ખોરવાઇ ગઈ હતી.
આ વર્ષે માંડ ગાડી પાટે ચડી હતી તો કમોસમી વરસાદે સાવ પૂરું કરી નાખ્યું. જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન ગયું છે. હવામાન વિભાગે હજુ માવઠાની આગાહી કરી છે, ત્યારે રહ્યું સહ્યું પણ રહેશે કે કેમ તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આગામી 15થી 20 દિવસમાં જે કેરી બચી અને વૃદ્ધિ પામી હશે તે બજારમાં આવશે. શરૂઆતી ભાવ 1000થી 1500 રૂપિયા પ્રતિ બોક્સનો રહેશે તેવું અનુમાન લગાવી રહ્યું છે. કેસર કેરી જૂજ માત્રામાં બજારમાં આવશે. આથી ભાવ ઊંચા રહેવાની પૂર્ણ સંભાવના છે.
ચોમાસું આંબી જવાની સંભાવના રહેલી છે. માટે ત્યારે પણ ભાવ ઊંચા રહેશે. જો ભાવ ઘટી જાય તો ખેડૂતોને મોટી નુકશાની જઈ શકે છે. આ વર્ષ ખરેખર ખેડૂતોની સાથે કેસરની પર પણ કઠણાઈ બેસી હોય તેવું લાગી રહ્યું છે. ઓછા ઉત્પાદનને કારણે કેસરની સિઝન પણ ટૂંકી ચાલે તેવો અંદાજ અંકાય રહ્યો છે. 10 કિલો કેસર કેરીના બોક્સનો ન્યૂનતમ ભાવ 700 અને મહત્તમ ભાવ 1200 રહે તેવી શકયતા રહેલી છે.