સંજય ટાંક, અમદાવાદ : 12 માર્ચ 1930માં નીકળેલ દાંડીયાત્રા અને અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાનાર યાત્રાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીલીઝંડી આપવાના છે. ત્યારે મીઠાના સત્યાગ્રહ માટે નીકળેલી આ યાત્રામાં અનેક સ્વાતંત્ર સેનાનીઓ ગાંધીજી સાથે જોડાયા હતા. હાલ આશ્રમમાં રહી રહેલા આશ્રમવાસીઓ પોતાના પરદાદાએ યાત્રામાં ભાગ લીધો હોવાથી પોતાના માટે ગર્વ અનુભવી રહ્યા છે.
આવા જ સ્વતંત્ર સેનાની પરિવાર સાથે સંકળાયેલા આશ્રમવાસી ધીમંત બઢીયા અને જનેશ બઢીયાએ દાંડીયાત્રાની યાદો વર્ણવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કરી ભારત આવ્યા હતા. કોચરબ આશ્રમ સ્થાપ્યો ત્યાં જગ્યા નાની પડી એટલે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આ જગ્યા શાંતિનું પ્રતીક અને બાપુની કર્મભૂમિ છે.
આશ્રમવાસી ધીમંત બઢીયાએ જણાવ્યું કે 12મી માર્ચ 1930માં બાપુએ દાંડી યાત્રા એટલા માટે કાઢવી પડી કારણ કે અંગ્રેજ સરકારે મીઠા પર કર નાખ્યો હતો. દેશની આઝાદી માટે મીઠાનો સત્યાગ્રહ મહત્વની ભૂમિકામાં હતો. આ માટે ગામડા એટલા માટે પસંદ કરાયા કે નાનામાં નાનો વ્યક્તિ આ સાથે જોડાઈ શકે. બાપુએ દાંડીયાત્રા માટે 80 પદયાત્રીઓ પોતે પસંદ કર્યા હતા. 25 દિવસે દાંડીમાર્ચનું સમાપન થયું હતું. દાંડીયાત્રાના એ 25 દિવસનો જુવાળ આઝાદી માટે લોકોમાં પેદા થયો. હું નસીબદાર છુ કે મારા પરિવારમાંથી દાદા રામજી બઢીયા, તેમના નાના દીકરા હરખજીભાઈ અને પરદાદાના જમાઈ રત્નાજીભાઈને બાપુ યાત્રામાં સાથે લઈ ગયા હતા. એ પછી 1988, 1998, 2005માં જે પદયાત્રાઓ થઈ તેમાં મેં ભાગ લીધો હતો. સાઉથ આફ્રિકામાં પણ હું યાત્રા કરી આવ્યો છું.
આશ્રમવાસી જનેશ બઢીયાએ જણાવ્યું હતું કે આ યાત્રામાં ભારતના પ્રાંત પ્રમાણે 1-1 વ્યક્તિની પસંદગી કરાઈ હતી. પણ પોતે ગર્વ અનુભવે છે કે અમારા પરિવારમાંથી ત્રણ લોકોની પસંદગી થઈ હતી. આ યાત્રાનું મહત્વ એટલે વધી જાય છે કારણકે અહીં થી જ આઝાદીની ચળવળનો પાયો નખાયો હતો. અહીથી જ ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી હતી કે હું કાગડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પરત નહીં ફરું. આમ હાલ 12મી માર્ચે ફરી દાંડી યાત્રા નીકળી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લીલીઝંડી આપવાના છે ત્યારે ગાંધી આશ્રમના લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે દેશના વડાપ્રધાન આ યાત્રા કાઢી રહ્યા છે એ યાત્રાને વિશ્વ પ્રસિદ્ધિ મળશે.