અમદાવાદ: રાજ્યમાં પોલીસ (Gujarat Police)ની દાદાગીરીની બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ શુક્રવારે રાત્રે અમદાવાદ શહેર (Ahmedabad City)માં અને બીજો બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે. પ્રથમ બનાવમાં ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police) એક ફ્રૂટના વેપારીને માર માર્યો હતો. વેપારીનો આક્ષેપ છે કે પોલીસને રૂપિયા આપવાનો ઇન્કાર કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં રાજકોટના જેતપુરની પોલીસે (Jetpur Police) કોરોનાની બીમારીથી સાજા થયેલા એક યુવકને પોલીસે ફટકાર્યો છે. આ બનાવમાં પણ યુવકનો આક્ષેપ છે કે પોલીસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે આપવાનો ઇન્કાર કરતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસની દાદાગારી: અમદાવાદમાં આનંદનગર ખાતે ટ્રાફિક પોલીસને દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અહીં એક ફ્રૂટના વેપારીને ટ્રાફિક પોલીસે માર માર્યો હતો. એવો આક્ષેપ થઈ રહ્યો છે અહીં વેપાર કરતા ફ્રૂટના વેપારીઓ પાસેથી પોલીસ દરરોજ 500 રૂપિયા માંગે છે. યુવા વેપારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા ટ્રાફિકના ચાર જેટલા પોલીસકર્મીઓએ યુવકને માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારીની લારીમાંથી ફ્રૂટ પણ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શાકભાજીની લારીવાળા પાસેથી પોલીસ લાંચ માંગતી હોવાની અનેક ફરિયાદ સામે આવતી રહે છે. હજુ ત્રણ દિવસ પહેલા જ લાંચરુશ્વત વિરોધી શાખાએ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને વેપારીઓ પાસેથી લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસકર્મીઓએ ટામેટાનું વેચાણ કરવા દેવા માટે વેપારી પાસેથી 100 રૂપિયાની લાંચ માંગી હતી. ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં પ્રભુદાસ ડામોર, ક્રિષ્ના બારોટ, દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટનો સમાવેશ થાય છે.
જેતપુર પોલીસની ગુંડાગારી: બીજા બનાવમાં રાજકોટના જેતપુર પોલીસની વધુ એક ગુંડાગીરી સામે આવી છે. જેમાં પોલીસે એક શખ્સને માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પીડિત યુવક જેતપુર નાગરપાલિકાના પ્રમુખનો સંબંધી હોવાનું માલુમ પડ્યું છે. યુવકને ડૉક્ટર સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. એવી પણ માહિતી મળી છે કે પીડિત યુવકે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. પોલીસે યુવક પાસેથી પાંચ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે જેતપુર નગરપાલિકાના પ્રમુખના દિયર મનિષ સખરેલિયાને પોલીસે ઢોર માર માર્યો છે. ડૉક્ટર સાથે બોલાચાલી બાદ પોલીસે યુવકને ઢોર માર માર્યો હતો. પોલીસે યુવકને પટ્ટાથી માર મારતા તે બેભાન થઈ ગયો હતો. જે બાદમાં પોલીસ સ્ટેશન ખાતે 108 બોલાવવામાં આવી હતી અને યુવકે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પીડિત યુવક મનિષ કોરોના દર્દી હતો અને તેને કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. પોલીસે યુવકની કોવિડ કેર સેન્ટર ખાતેથી જ અટકાયત કરી હતી.
યુવકને આક્ષેપ છે કે ઇન્ચાર્જ પી.આઈ વસાવાએ તેની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ન આપતા તેને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાંચ લાખ રૂપિયા ન આપે તો સરઘસ કાઢવાની ધમકી પણ પોલીસે આપી હતી. પોલીસના મારા બાદ મનિષને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જેતપુર પોલીસે ચાર દિવસ પહેલા પણ જુગાર રમનાર ગોંડલના લલીત અઢીયા નામના યુવકને માર માર્યો હતો. જે બાદમાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવો પડ્યો હતો.