વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 11 ઓક્ટોબરે અમદાવાદ ખાતેની મુલાકાત દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી સુવિધાના લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે સાથે અમદાવાદની સિવિલ મેડિસીટીમાં નિર્માણ પામેલ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અંદાજીત રૂ.418 કરોડના ખર્ચે નિર્માણ પામેલી નવીન કિડની હોસ્પિટલ 850 બેડની ક્ષમતા સાથેની ભારતની સૌથી મોટી કિડની હોસ્પિટલ સાથે જ વિશ્વની ટોચની કિડની હોસ્પિટલમાંથી એક છે.
નવીન કિડની હોસ્પિટલ ઓપરેશન માટેની તમામ સુવિધાઓથી સજ્જ ૨૨ હાઈટેક ઓપરેશન થિયેટર છે. 22 પૈકી 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને ટ્રાન્સપ્લાન્ટ પછીની સારવારમાં દર્દીને કોઇ પણ પ્રકારનું ઇંફેક્શન ન લાગે તેની કાળજી માટેના ગુણવતાયુક્ત 12 આઇ.સી.યુ છે. ગુજરાતમાં એક માત્ર સરકારી સંસ્થા છે જ્યાં હાઇ રીસ્ક પ્રેગનેંસી, યુરો ગાઇનેકોલોજી એસ્થેટીક ગાઇનેકોલોજી માટેના અધ્યતન સાધનો અને આઇ.વી.એફ. માટેના હાઇ ટેક ઓપરેશન થીયેટર છે.
નવનિર્મિત કિડની હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તરીય અને તમામ ગુણવત્તાયુક્ત એક જ સમયે મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેવી અદ્યતન બ્લડ બેંક છે તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલા કરવામાં આવતા ઇમ્યુનોલોજી,H.L.A.અને સ્ટેમ સેલની તપાસ માટેની અધ્યતન અને તમામ ગુણવત્તાસભર લેબોરેટરી પણ આ હોસ્પિટલમાં કાર્યરત છે. કિડની હોસ્પિટલમાં આધુનિક ઉપકરણોથી સજ્જ અને ખાસ ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરવામાં આવેલા આઈ.સી.યુ, એચ.ડી.યુ, એન.આઈ.સી.યુ, પ્રી અને પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ વોર્ડ, રિકવરી આઈ.સી.યુ, વિશ્વ સ્તરીય ડાયાલિસિસ વોર્ડ, ટ્રાન્સપ્લાન્ટ અને ઇમ્યુનોલોજી લેબોરેટરી જેવી અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.
સિવિલ મેડિસીટીમાં કાર્યરત કિડની હોસ્પિટલમાં ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ 6191 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 420 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 572 રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશની સરકારી અને અર્ધસરકારી સંસ્થામા પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) ટ્રાંસ્પ્લાંટ માટેની મંજુરી આપવામાં આવી છે. હાલ દેશમા એક માત્ર ગર્ભાશય ટ્રાંસ્પ્લાંટ કરતી સંસ્થા છે. તાજેતરમા એક જ દિવસમા બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલનું વર્તમાન બિલ્ડિંગ NABH પ્રમાણિત છે. તેમજ કિડની રોગ સારવાર અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ મળેલા છે.