સંજય ટાંક, અમદાવાદ: ગાઈ વગાડીને કહેવામાં આવે છે કે કોરોનાથી (Coronavirus) બચવા માટે માસ્ક (mask) જ હથિયાર છે છતાં લોકો સમજતા નથી. બજારોમાં કે સામાજિક અને રાજકીય મેળાવડાઓમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે જ છે પણ બેદરકારીની હદ તો ત્યારે જોવા મળે છે જ્યારે લોકો સરખું માસ્ક પણ પહેરતા નથી. હાલ કોરોનાના ડરમાં કેટલાક લોકો માસ્ક પહેરતા થયા છે પણ હજુએ 30 ટકા લોકો એવા છે જેઓ માસ્ક મોઢે નહિ દાઢીએ પહેરે છે. જાણે માસ્ક બેજવાબદાર રીતે પહેરીને સામાજિક જવાબદારી નિભાવતા હોવાનો દેખાડો કરતા હોય.
તબીબો પણ માની રહ્યા છે કે, હજુ પણ લોકો નહિ જાગે તો કોરોના કેસ કન્ટ્રોલ બહાર જાય તો નવાઈ નહિ. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 20 હજારને પાર નોંધાઇ રહ્યા છે. અને આગામી 31 જાન્યુઆરી સુધીમાં કોરોનાના કેસ 50 હજારને પાર પહોચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના તબીબી એક્સપર્ટસ માની રહ્યા છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેનું પાલન કરવું જ પડશે.
આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરી જણાવી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં પણ લોકોમાં ગંભીર નથી. કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ જરૂરી અને તે પણ સાયન્ટિફિક રીતે તેનો ઉપયોગ અને નાશ પણ થવો જોઈએ. જ્યારે કોઈપણ માસ્ક પહેરે તે પહેલાં હાથ સેનિટાઈઝ કરવા જરૂરી છે. એટલું જ નહીં માસ્ક પહેર્યા પછી વારંવાર તેને અડકવું જોઈએ નહીં. અને જ્યારે તેને મો પરથી ઉતારો ત્યારે તેને પ્રોપર રીતે પ્લાસ્ટિકની બેગમાં પેક કરી ફેંકવું જોઈએ.