અમદાવાદ: અમદાવાદમાં લોકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલી BRTS અને AMTS બસની સેવા અકસ્માતો કરવા માટે બદનામ છે. હજુ એક દિવસ પહેલા જ અમદાવાદમાં BRTSની એક બસ બ્રિજના પીલર સાથે અથડાઈ હતી અને બસના બે ફાડિયા થઈ ગયા હતા. આજે બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. અકસ્માતને કારણે બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચઢી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.
આ મામલે બીઆરટીએસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આજ રોજ આંબેડકર બ્રિજ ઉતરી ચંદ્રનગર તરફ જતા લોડિંગ વાહન GJ 03 BW 2244 Eicher રેશ ડ્રાઈવિંગ કરતા તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તેની ટક્કર બીઆરટીએસની બસ સાથે થઈ હતી. અકસ્માતમાં BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હોય છે તે લોકેશન પાસે બે રેલીંગ તૂટી છે. સદર સમગ્ર ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી.
ઉલ્લેખનીય છે કે તારીખ 09-12-2020ના રોજ બપોરે 2.15 કલાક આસપાસ ઇસ્કોનથી આરટીઓ રૂટની બસ નંબર-15 પ્રગતિનગરથી આરટીઓ તરફ જઈ રહી હતી ત્યારે અખબારનગર અંડરપાસ ખાતે ટેક્નિકલ કારણોસર બ્રીજના પિલર સાથે અથડાઈ હતી. ઉપરોક્ત બસ અકસ્માત સમયે બસમાં કોઈપણ પેસેન્જર હાજર ન હતા. બસના ડ્રાઈવર રમેશ મકવાણા ગંભીર રીતે અને બસ સુપરવાઈઝર ચરણભાઈ સામાન્ય રીતે ઘાયલ થયા છે.
સીસીટીવી કેમેરા બંધ હતા: મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અખબારનગર અંડર પાસમાં CCTV કેમેરા પણ લગાવ્યા છે. પરંતુ જે કેમેરામાં આ ઘટના કેદ થઈ શકે તેમ હતી તે કેમેરો લટકતી હાલતમાં અને બંધ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં બનતી અકસ્માતની અનેક ઘટનાઓનો ભેદ ઉકેલવા સીસીટીવી ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. પોલીસે પણ સીસીટીવીના આધારે અનેક ગુના ઉકેલ્યા છે. આથી જ પોલીસ પણ સીસીટીવી પર વધુ ભાર મૂકે છે. આ કારણે જ શહેરમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી લગાડવામાં આવ્યા છે. પરંતુ કહેવાય છે ને કે જરૂર હોય ત્યારે જ રોન કાઢે તેનું નામ કોર્પોરેશનના સાધનો!