હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં ભલે દારૂબંધીના દાવા કરવામાં આવતા હોય પણ અનેક એવા ઠેકાણા છે જ્યાં આસાનીથી દારૂ મળે છે. સ્થાનિક પોલીસ આશીર્વાદ રાખે પણ એજન્સીઓ રેડ કરી કાર્યવાહી કરે છે. આવી જ એક રેડ પોષ વિસ્તાર એવા સેટેલાઈટમાં થઈ છે. પીસીબીએ મોંઘીદાટ દારૂની બોટલમાં ભેળસેળ કરી ઊંચા ભાવે દારૂ વેચનારની ધરપકડ કરી છે. શાહપુરનો બુટલેગર નહેરુનગરમાં આવેલા એક ફ્લેટમાં ફેક્ટરી બનાવી વીઆઇપી ગ્રાહકોને ત્રણ ચાર હજારમાં ભેળસેળ વાળો દારૂ વેચતો હતો.
નહેરુનગર પાસેના અભિલાષ એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ પરિવાર સાથે રહીને દારૂની હાઇફાઈ મોંઘી બ્રાન્ડનો દારૂ વેચી રહ્યો હોવાની પીસીબીને બાતમી મળતા રેડ કરાઈ હતી. ઘરમાંથી કૃણાલ મચ્છર નામના આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી 22 દારૂ ભરેલી બોટલ, 56 ખાલી બોટલ, ગરણી, ઢાંકણા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે તપાસ કરી તો આરોપી મોંઘીદાટ અને હાઇફાઈ બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભેળવી વેચાણ કરતો હતો. આરોપી અહીં ભાડે રહે છે અને શાહપુરના બુટલેગરને ઘરમાં જગ્યા આપી ફેક્ટરી બનાવવા કમિશન લેતો હતો.
આરોપી રોજની 10થી 15 અથવા પાંચ બોટલ હાઇફાઈ અને ક્રિમ કસ્ટમરને વેચાણ કરતો હતો. આરોપી બે માસથી આ ધંધો કરતો હોવાનું રટણ કરી રહ્યો છે પણ તે ઘણા માસથી ભાડાનું ઘર શાહપુરના બુટલેગરને દારૂની ફેકટરી માટે આપી ધંધો કરતો હતો. આગામી સમયમાં મુખ્ય આરોપી કે જે શાહપુરમાં દારૂનો ધંધો કરે છે તેની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકશે.