અમદાવાદઃ અમદાવાદની આ પોળના રહીશો પોતાની પોળ અને અન્ય પોળને બચાવવા માટે એક બીડુ ઉપાડ્યું છે હવે કોઈ પણ વ્યક્તિ પોળમાં પોતાનું ઘર જાણ વગર અન્યને વેચી શકે નહીં. આ નિર્ણય અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતાં આંબલીની પોળનાં રહીશો દ્વારા લેવામાં આવ્યો છે. રહીશોએ લુપ્ત થતી પોળ સંસ્કૃતિને બચાવવા માટે આ નિર્ણય લીધો છે, જેમાં પોળના મુખ્ય પ્રવેશ દ્રારા પર નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે.
પોળની મહિલાઓ પોતાની પોળને બચાવવા માંગે છે એટલે જ આંબલીની પોળના 40 ઘરોએ મળીને પ્રવેશ દ્રાર પર 7 સૂચનો લખ્યા છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે પોળના રહીશોએ કોઈપણ પરપ્રાંતિયને પોતાનું ઘર ભાડે આપવું નહીં. આ સિવાય પોળમાં કોઈપણ કોમર્શિયલ એક્ટિવિટી નહીં કરવા માટે જણાવવામાં આવ્યું છે. પાછળ ઘણાં વર્ષોથી પોળમાં કોમર્શિયલ એક્ટિવિટી વધી હોવાનું રહીશોનું કહેવું છે.
આંબલીની પોળમાં રહેતાં ભાવના બેનનું કહેવું છે કે તેઓ છેલ્લાં 20 વર્ષથી પોળમાં રહે છે પરંતુ તેમણે ઘણાં સમયથી જે જોયું છે તે મુજબ તેમનાં પોળની આસપાસ લુહારની શેરી, રાજા મેહતાની પોળ, મણીયાશાની ખડકી, કવિશ્વરની પોળ, અર્જુનલાલની ખડકી, મામુનાયકની પોળ સહિત અનેક પોળમાં હવે દુકાનો થઈ ગઈ છે. દુકાનોમાં કારીગરો માલ ઉતારવા ગમે તે સમયે આવે છે. જેને કારણે પોળમાં રહેતાં લોકોને ખલેલ પડે છે.
પોળમાં કોમર્શિયલ હેતુથી સામાન લઈને આવનારી અજાણી વ્યક્તિના કારણે સુરક્ષાના પ્રશ્નો ઉભા થાય છે. જૂની પોળના કલ્ચરને સાચવવું જરુરી છે. લોકો પોળ છોડીને બહાર રહેવા જઈ રહ્યા છે. આ અંગે પોળના પારુલબેને કહ્યું કે પોળમાં જૂના મકાનોમાં હવે આજની પેઢી રહેતી હતી નથી. લોકો ઘર વેચી દે છે પરંતુ કોને વેચે છે એ જાણ કરાતી નથી, આવતો ઘણાં કિસ્સા છે કે જેમાં પોળના મકાન પરપ્રાંતિઓને વેચી દેવામાં આવે છે. જેના લીધે પોળની જૂની પરંપરાઓ અને ઓળખ લુપ્ત થઈ જવાનો ખતરો છે. તેમણે જણાવ્યું કે, અત્યારે અમે શરુઆત કરી છે આ સિવાય અમે ખાડિયાની તમામ પોળને જાગૃત્ત કરીશું અને પોળની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવાનો પ્રયાસ કરીશું.
પોળનો શું છે ઈતિહાસઃ ઉત્તરાયણ પર પોળમાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ વિદેશના લોકો પણ પતંગની મોજ માણવા માટે પહોંચે છે, જોકે, સામાન્ય દિવસોમાં પોળની જૂની સંસ્કૃતિ અને પરંપરા જાણે લુપ્ત થઈ રહી હોય તેવું ભાસી રહ્યું છે. ખાડિયા અમદાવાદ શહેરનો એક સમયે સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીનાં નળ અહીં જ નાખવામાં આવ્યાં હતાં, તે જ રીતે સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્તારમાં નાંખવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ સહિત ત્રણે રથોનું આંબલીની પોળમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ભગવાનનું સ્વાગત કરાતું હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પોળનાં લોકો આજની પેઢીની પોળ છોડીને બહાર રહેવા જઈ રહ્યા છે, જેથી પોળના મકાન વેચી દેવામાં આવતા હોય છે કે પછી અન્યને ભાડે આપી દેવામાં આવતા હોય છે. આવામાં સંપતિ પહેલાં સહમતી લેવા માટે રહીશોને નિયમ બનાવ્યા છે, જેનો પડઘો કોર્પોરેશન સુધી પહોંચે તો નવાઈ નહીં.