લુબના ખાન, અમદાવાદ: શહેરની સારંગપુરમાં આવેલી એક પોળમાં રહે છે નવરંગ સુખડિયા. જેમને તેમની પોળમાં જ નહીં પણ અમદાવાદના તમામ એનિમલ લવર, પ્રાણીઓના ડોક્ટર, જીવદયા પ્રેમી જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા મોટાભાગના વ્યક્તિઓ જાણે છે. કારણ છે નવરંગ સુખડિયાનો પ્રાણીઓ પ્રત્યેનો અદભુત પ્રેમ. 45થી વધુ બિલાડીઓના માઇબાપ છે નવરંગ સુખડિયા. પોળની તમામ બિલાડી, કૂતરા હોય કે પછી ગાય તમામની જવાબદારી ઉપાડી રહ્યા છે આ દેવદૂત.
નવરંગ સુખડિયા જીએસટીના રિટાયર્ડ ઓફિસર છે. તેમની પાસે 45થી વધુ બિલાડીઓ છે. જેમની સારસંભાળ, દવા, ખાવાથી લઇને તમામ બાબતોની જવાબદારી નવરંગ સુખડિયા ઉપાડે છે. અત્યારે તેમનું પેન્સ 35,000 આવે છે, પણ 45,000 જેટલો માસિક ખર્ચ તેઓ કોઇપણ રીતે બચત કરીને પ્રાણીઓ માટે સેવા પાછળ કરે છે. જો કોઇપણ વ્યક્તિ તેમને ફોન કરીને બિલાડી માંદી કે ખરાબ હાલતમાં છે તેવી જાણ કરે તો તરત ત્યાં પહોંચીને તેની સારવારની જવાબદારી ઉપાડે છે.
આ અંગે નવરંગ સુખડિયાએ કહ્યું કે, એ વખતે લાખ રૂપિયા જેટલો પગાર હતો અને હવે 35 હજાર રૂપિયા પેન્સન આવે છે. ત્યારે સમય નહોતો, પણ હવે લાગે છે કે કદાચ પૈસા ખૂટશે. પરંતુ તે બધું ઉપરવાળો ગોઠવી આપશે. આપણે ફક્ત નિમિત છીએ. તેમનું કહેવું છે કે, અબોલાઓનો કંઇ જોઇતું નથી. બસ થોડું પ્રેમ આપો, થોડું જમવાનું આપો. તેઓ જે દુઆ આપશે તે તમને ખરેખર લાગશે.