હર્મેશ સુખડિયા, અમદાવાદ: મોરબીના રવાપર ગામે રહેતા સાસરીયા સામે મૂકબધીર પરિણીતાએ નરોડા પોલીસ મથક (Naroda Police Station)માં શારીરિક માનસિક ત્રાસ (Physical and Mentally Harassment), દહેજ (Dowry)ની માંગણી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે લગ્ન (Marriage)ના બીજા જ દિવસે સાસુએ દહેજની માંગણી કરી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. ઉપરાંત દારૂ પીવાની કુટેવ ધરાવતા સસરા ચોકડીમાં લઘુશંકા કરતા હતા અને તે સાફ કરાવવા પુત્રવધૂને દબાણ કરતા હતા. આટલું જ નહીં મૂકબધીર પરિણીતાને સાસરીયાએ ભાડું આપ્યા વગર જ ઘરેથી મૂકી હતી.
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી યુવતી મૂકબધીર છે. તેના લગ્ન વર્ષ 2018ના રોજ થયા હતા. લગ્નના દિવસે સાસુએ દહેજમાં કંઇ લાવી નથી તેમ કહી તકરાર શરૂ કરી હતી. લગ્નના બીજા જ દિવસે સાસુ તથા નણંદે લગ્નમાં મળેલી 23 હજારની રોકડ પડાવી લીધી હતી. ઉપરાંત યુવતીના પિતાએ આપેલા દાગીના પણ સાસરીયાઓએ લઇ લીધા હતા. સસરાને દારૂ પીવાની કુટેવ હતી તેથી તે દારૂ પી અવારનવાર ગંદા ઇશારા કરતા હતા. તેથી યુવતીએ આ અંગે પતિને વાત કરી હતી. પતિ પણ આ બાબતે પિતાનું ઉપરાણું લઇ ઝઘડા કરતો હતો. સસરા ચોકડીમાં અવારનવાર પેશાબ કરતા હતા અને તે ધોવા માટે ઇશારો કરી ફરજ પાડતા હતા. જોકે, ઘર સંસાર ન બગડે તે માટે યુવતી બધુ જ સહન કરતી હતી. પરંતુ દિવસેને દિવસે સાસરીયાનો ત્રાસ વધવા લાગ્યો હતો અને તેઓ પૈસા માટે યુવતીને માર પણ મારતા હતા.
ગત 10 જુલાઇ, 2019ના રોજ પતિએ કેમ મને બાળક આપતી નથી તેમ કહી ગુસ્સે ભરાયો હતો અને યુવતીનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ રક્ષાબંધને નણંદ આવી હતી ત્યારે તેણે પણ તકરાર કરી કહ્યું હતું કે, તારા પિતા તને કેમ લેવા આવ્યા નથી. ત્યારબાદ બધાએ ભેગા થઇ ઘરમાંથી તેને કાઢી મૂકી હતી. યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી કોઇને કંઇ કહી શકતી ન હતી અને સાસરીયાએ તેને ભાડાના પૈસા આવ્યા વગર કાઢી મૂકી હતી. પતિએ ધમકી આપી હતી કે, અમારા ઘરમાં પરત આવી તો જાનથી મારી નાખીશ. યુવતી પાસે વીકલાંગનો પાસ હોવાથી તે પિયર પહોંચી હતી. ત્યારબાદ આ મામલે પતિ, સાસુ, સસરા, નણંદ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.