અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં આવેલું નળસરોવર યાયાવર પક્ષીઓ માટેનું શિયાળું રોકાણ સ્થાન છે. અહીંયા શિયાળામાં મોટી સંખ્યામાં સાઇબિરિયા અને કઝાખસ્તાનથી યાયાવર પક્ષીઓ આવે છે. આ પક્ષીઓના જીવન અને તેના પ્રવાસનો અભ્યાસ કરવા માટે ગત વર્ષે એક માદા ક્રેનમાં સેટેલાઇટ ટેગિંગ કરવામાં આવ્યું હતું. આ ટેગિંગ પરથી વિશ્વને આશ્ચર્ય થાય તેવો ડેટા સામે આવ્યો છે. જેમાં આ પક્ષી ગત વર્ષે એપ્રિલમાં નળસરોવરથી ઉડી અને કઝાખસ્તાન ગયું હતું જ્યાં તેણે ચોમાસું વિતાવી અને ઠંડી શરૂ થતાં પહેલાં જ પરત નળસરોવર આવી ગયું છે. 4850 કિ.મી.ના જવાના અને 2500 કિ.મી.ના પરત આવવાના આ પ્રવાસનો રોમાચિંત કરતો ડેટા સામે આવ્યો છે.
હવે સમગ્ર શિયાળા દરમિયાન આ પક્ષી અહીંયા રોકાણ કરશે. જોકે, આ કૂંજ પક્ષીની તમામ ગતિવિધિ પર વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકો નજર નાંખીને બેઠા હતા. જ્યારે ડૉ.સુરેશ કુમારની આગેવાની હેઠળની ટીમે આ પક્ષીને વાડલામાં માર્ચ 2020માં સેટેલાઇટ ટેગ લગાડ્યો હતો. કુદરતની આ નેવિગેશન સિસ્ટમ કૂંજ પક્ષીમાં કેવી રીતે આવી હશે તે ખરેખર વૈજ્ઞાનિકો માટે પણ કોયડો છે.