ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડના પ્રારંભની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. 9 અને 10 ઓગસ્ટે અમદાવાદને મેઘરાજા ઘમરોળશે. ત્યાં જ 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ આપવામાં આવી છે. 9મી તારીખથી 12મી સુધી આખા ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ રહેશે.
આજે મેઘસવારીએ બનાસકાંઠાને જળબંબાકાર કરી નાખ્યું છે. અહીં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યાં જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી બનાસકાંઠાએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ચોતરફ પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ડીસા માર્કેટ યાર્ડમાં વરસાદને પગલે હરાજી બંધ કરવામાં આવી હતી.