અમદાવાદ: રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે. 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા છે. બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે, જેના કારણે કોલ્ડવેવ રહેશે. 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3થી 4 ડિગ્રી તાપમાનમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા કચ્છમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતનાં વાતાવરણ અંગે આગાહી કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, 24, 25, 26 સુધી ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે. જાન્યુઆરીના જતા-જતા ઠંડી અતિરોદ્ર સ્વરૂપ બતાવશે. આ ઉપરાંત તેમણે ઠંડી સાથે માવઠાનો પણ માર રહેશે તેવી આગાહી કરી હતી. કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોળાઇ રહ્યું છે. અંબાલાલે 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી હતી. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે.
રાજ્યમાં કાતિક ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. રાજ્યમાં સુસવાટા મારતાં પવનની સાથે ઠંડીની તીવ્રતા વધી છે. સાથે જ રાજ્યમાં અનેક શહેરોમાં ગાઠ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ ધુમ્મસના લીધે હિલ સ્ટેશન જેવો માહોલ અનુભવાયો હતો. અમદાવાદમાં પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં અમદાવાદમાં 10, ગાંધીનગરમાં 10.7, સુરતમાં 14, વડોદરામાં 11.6, રાજકોટમાંમં 10, ડીસામાં 11.2, નલિયામાં 6.2, ભાવનગરમાં 13, અમરેલીમાં 9.6, ભુજમાં 10.4, કેશોદ 8, સુરેન્દ્રનગરમાં 11.5, મહુવામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં લધુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘડાટો નોંધાતા દિવસે પણ ઠંડી અનુભવાઇ રહી છે. સાથે જ ધુમ્મસ છવતાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઠંડીને લીધે જનજીવનને પણ અસર પડતી જોવા મળી રહી છે. ઠંડીના લીધે લોકો વગર કારણે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.